અત્યારની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોય છે કે, તેઓ કસરત, ચાલવાનું અને ડાયટિંગ કરતા હોય છે. પરંતુ બાળકોનું ધ્યાન રાખવું થોડું મુશ્કેલ છે. માતા-પિતા બંને નોકરી કરતા હોવાથી અત્યારના સમયમાં બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે એટલું ધ્યાન નથી આપી શકતા, જેટલું પહેલાના સમયે આપવામા આવતું હતું. અત્યારે લોકો નાના બાળકોને સ્વસ્થ રાખવા માટે માતા-પિતા દૂધની સાથે ઘણી વસ્તુઓ ખવડાવતા-પીવડાવતા હોય છે. જેમ કે, ખીચડી અથવા ફ્રૂટ-શાકભાજીનો જ્યુસ પીવડાવે છે. ઘણી વખત ઉતાવળમાં માતા-પિતા બાળકોને પેકેટવાળા જ્યુસ પીવડાવે છે, કેમ કે, તેઓને લાગે છે કે બાળકના સ્વાસ્થ્ય માટે તે હેલ્ધી છે. જો તમે પણ આવું કરતા હોય તો ચેતી જજો. નાના બાળકો પર કરવામા આવેલ રિસર્ચમાં આ વાત સામે આવી છે કે, પેકેટવાળા જ્યુસ તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. અમેરિકન એકેડમી ઓફ પેડિયાટ્રિક્સના જણાવ્યા પ્રમાણે, 1 વર્ષછી ઓછી ઉંમરના બાળકોને ક્યારે પણ પેકેટવાળા જ્યુસ ન પીવડાવવા જોઈએ. અમેરિકન એકેડમી ઓફ પેડિયાટ્રિક્સના જણાવ્યા પ્રમાણે, પેકેજ્ડ જ્યુસ ઉપરાંત 1 વર્ષ સુધીના બાળકોને સોડા અને સોફ્ટ ડ્રિંકથી પણ દૂર રાખવા જોઈએ. આ જ્યુસમાં બ્રોમિનટેટેડ વનસ્પતિ તેલ હોય છે, જે બ્રોમિન ટોક્સિન પેદા કરે છે. બ્રોમીન ટોક્સિન બાળકોની નર્વસ સિસ્ટમ અને મગજને અસર કરી શકે છે.
રિપોર્ટમા જણાવ્યા અનુસાર, પેકેટવાળા જ્યુસ અને ડ્રિંકમાં કેલેરી, ખાંડની માત્રા વધારે હોય છે જે બાળકોને નુકસાન પહોંચાડે છે. તે ઉપરાંત આ જ્યુસ બાળકોના દાંતમાં કેવિટીનું કારણ બની શકે છે. આ પહેલી વખત નથી કે જ્યારે પેકેટ જ્યુસના નુકસાન સામે આવ્યા છે. આ અગાઉ પણ ઘણી વખત પેકેટ જ્યુસના નુકસાન સામે આવી ચૂક્યા છે. પેક્ડ ફ્રૂટ જ્યુસમાં કેડમિયમ, ઓર્ગેનિક, આર્સેનિક અને પારો અથવા લીડ હોય છે. આ જ્યુસ બાળકોને આપવાથી તેમના મગજ પર ખરાબ અસર પડી શકે છે, ઉપરાંત તેમના મગજનો વિકાસ અટકી શકે છે. પેકેટ જ્યુસ પીવાથી ગેસની સમસ્યા, ડાયેરિયા, પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે.