બનાસકાંઠા જિલ્લામાં તીડ પ્રકોપના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. જેમાં જિલ્લાના અસરગ્રસ્ત ૧૩ તાલુકાના ૨૬૬ ગામ તીડ પ્રકોપથી પ્રભાવિત થયા છે. જેમાં ૧૭૮૦૪ ખેડૂતોની ૧૭૩૨૨ હેક્ટર જમીનમાં નુકસાન થયું હોવાનું પ્રાથમિક સર્વેમાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેઓને સરકાર દ્વારા વળતર ચુકવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૧૬ દિવસથી આફત બનીને ત્રાટકેલા તીડે સમગ્ર જિલ્લામાં કહેર વર્તાવ્યો હતો. જેને લઈ ખેતરોમાં ઉભેલો પાક નાશ પામતા ખેડૂતોને પારાવાર નુકસાન થતા માથે હાથ ધઈને રોવાનો વારો આવ્યો છે. ત્યારે તીડ પ્રકોપથી ખેડૂતોને નુકસાનનું વળતર ચુકવવા માટે સરકાર દ્વારા ગ્રામ્યકક્ષાએ સર્વે કરવાનો આદેશ ખરવામાં આવતા ખેતીવાડીની ટીમ સહિત તાલટીઓ દ્વારા જિલ્લાના ૧૩ તાલુકાઓમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર જિલ્લાના ૧૩ તાલુકાના ૨૬૬ ગામમાં ૧૭૮૦૪ ખેડૂતોની ૧૭૩૨૨ હેક્ટર જમીનમાં પ્રાથમિક સર્વેમાં નુકસાન જોવા મળ્યું હતું. જેને લઈ આવા તીડ પ્રભાવિત ખેડૂતોને સરકાર દ્વારા હેક્ટર સહાય આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તારમાં તીડના ઝુંડોએ છેલ્લા ૧૬ દિવસથી કોહરામ મચાવી દીધો હતો. જેને લઈ માથે દેવા કરીને પણ ખેડૂતોએ વાવેલા જીરૃ, એરંડા, ઈસબગુલ જેવા કિંમતી પાકોનો સફાયો થયો હતો અને જિલ્લાના ૨૬૬ જેટલા ગામોમાં તીડના આક્રમણના પ્રકોપમાં આવી ગયા હતા.પહેલા અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, એપ્રિલથી તીડના આક્રમણને લઈને જાણે કુદરત બનાસકાંઠાના ખેડૂતો ઉપર રૃઠયો હોય તેવું દેખાઈ રહ્યું છે. તીડ બાદ ફરીથી વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદના એંધાણ દેખાતા ફરી પાછું ખેડૂતો પર આફતના વાદળો ઘેરાયેલા દેખાયા હતા.