ધૂમ્રપાન શરીરમાં અનેક રોગોને આમંત્રણ આપે છે. ધૂમ્રપાન કરતા લોકોને ધૂમ્રપાન છોડી દેવા માટે પ્રેરણા આપે તેવું રિસર્ચ ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું છે. ‘નેચર’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચ અનુસાર ધૂમ્રપાન છોડતાની સાથે જ ફેફસાંની કુદરતી શકિત ધૂમ્રપાનને લીધે ખરાબ થયેલી ફેફસાંની કોશિકાઓને સ્વસ્થ કરે છે સાથે જ તે ફેફસાંનાં કેન્સરનાં જોખમ સામે પણ રક્ષણ આપે છે. યુનિવર્સિટી ઓફ લંડન અને વેલકમ સેંગર ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં 16 વોલન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા તેમાં ધૂમ્રપાન કરી રહેલાં, ધૂમ્રપાન છોડી ચૂકેલાં અને ધૂમ્રપાન ન કરતાં લોકોને સામેલ હતા. આ તમામ લોકોનાં ફેફસાંની બાયોપ્સી કરવામાં આવી હતી અને તેનું અવલોકન કરવામાં આવ્યું હતું.
રિસર્ચમાં જોવા મળ્યું કે ધૂમ્રપાન કરતા લોકોનાં ફેફસાંની કોશિકાઓમાં આશરે 10 હજાર આનુવંશિક ફેરફારો જોવા મળ્યા હતા જે તમાકુ અને તેના રસાયણોને લીધે થયા હતા. તેમાંથી એક ચતુર્થાંસ કોશિકાઓમાં કેન્સરકારક ફેરફાર જોવા મળ્યા હતા. ધૂમ્રપાન છોડી ચૂકેલાં લોકોની કોશિકાઓના અભ્યાસમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યા હતા. ધૂમ્રપાન છોડી ચૂકેલાં લોકોની કોશિકાઓ આંશિક હદે ક્યારે પણ ધૂમ્રપાન ન કરનાર લોકોની કોશિકાઓ જેવી જોવા મળી હતી. અર્થાત ધૂમ્રપાન છોડી દેવાથી સમય જતા આપમેળે જ કોશિકાઓ સ્વસ્થ થઈ જાય છે.
રિસર્ચમાં સામેલ લીડ ઓથર ડો. પીટરના જણાવ્યા અનુસાર, જે ક્ષણે તમે ધૂમ્રપાન છોડી દેવાનો નિર્ણય કરો છો તે જ ક્ષણથી તમને ફાયદો મળવાનો શરૂ થઈ જાય છે. ફેફસાંમાં રહેલી કુદરતી ક્ષમતાને લીધે ખરાબ કોશિકાઓ ધીરે ધીરે સ્વસ્થ થઇ જાય છે. આ પ્રક્રિયાને વૈજ્ઞાનિકો ફેફેસાંની ‘મેજિકલ એબિલિટી’ કહે છે.