જય પ્રકાશ રાવલ:
કૈસી ચલી હૈ અબકે હવા તેરે શહરમેં, બંદે ભી હો ગયે હૈ ખુદા, તેરે શહેરમેં
બાબો કે બેબી? ખોળો ભરાઈ ગયો છે. હવે પ્રસુતિની રાહ જોવાય છે. જલેબી મળશે કે પેંડા એનું પિષ્ટપિંજણ મીડિયા પંડિતો કરી રહ્યા છે. વાત છે ચૂંટણી જેવી તમતમતી થઈ ગયેલી ચૂંટણીની છે.
આલિયા-માલિયા-જમાલિયાની ટીમમાં જોડાઇને હું પણ વરતારો કરવા ઇચ્છુ છું. મારા મતે ભાજપ અથવા કોંગ્રેસ સરકાર બનાવશે.!!!!
જીતેલો પક્ષ મુછ આમળશે, હારેલાઓ અમારી ટકાવારી વધી, બેઠકો વધી, અમે ફલાણી બેઠક છીનવી લીધી એમ કહીને ટંગડી ઉંચી રાખશે. છેલ્લે ફેવરીટ વ્હિપીંગ બોય ઇવીએમ તો છે જ.
વહુ, વરસાદ અને ઇવીએમ- ત્રણેની સ્થિતિ સરખી. જશ મળે જ નહી.
હિંદુ, મુસ્લિમ, દલિત,પટેલ,આદિવાસી અને અન્ય કોમોના નેતાઓ મારણ કર્યા પછી પચાવવા માટે સુસ્ત બની જશે. પરિણામે જ્ઞાતી સંમેલનો અને આંદોલનોમાં ઓટ આવશે. ક્રાંતિકારી નેતાઓ શોધ્યા નહી જડે.
બેનર,ધ્વજ,ખેસના બાળોતિયા,ગોદડા,ગાભા બનાવવાનો મેક ઈન ઈન્ડિયા ગ્રુહ ઉદ્યોગ ધમધમશે.
હારેલા પક્ષોના કાર્યક્રરો અને નેતા વિજેતા પક્ષમાં ઘરવાપસી કરશે. ચૂંટણી પહેલા જેટલા ભાવ નહી ઉપજે તો ડિસ્કાઉંટ આપશે. મિડિયા નવા શાસકો સાથે નવા ‘સમિકરણો’ ગોઠવવા પહેલા ઘાંટાઘાંટ કરીને પછી વાટાઘાટ કરશે.
જે તે પક્ષના વિજયની આગાહી કરનારા જ્યોતિષ શાસ્ત્રીઓ ખોટા પડશે તો અદ્રશ્ય થઈ જશે. જેમનો તુક્કો લાગી જશે તેઓ સોશિયલ મિડિયામાં ધુબાકા મારશે.
હું, તમે અને સામાન્ય નાગરિક વંટોળથી ઉડેલી ધુળ ખંખેરીને રોટલો રળવા માટે ફાફા મારીશું. ખાલી ખાલી ખુરશી હૈ, ખાલી ખાલી તંબુ હૈ. ઇસકે બાદ- તું નહી, મૈ નહી, કુછ ભી નહી રહેતા હૈ.
મોકો મળશે તો, ભાજપ કે કોંગ્રેસ જીતે પછી પરિસ્થિતિ કેવી રહેશે તે બાબતે વાણીવિલાસ કરીશું.