ટ્વિટર સાથેની ડીલ કેન્સલ કરવાને લઈને હાલમાં ચર્ચામાં રહેલા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કે વધુ એક મોટો નિર્ણય લીધો છે. તેની ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાએ તેના બિટકોઈનના હોલ્ડિંગમાં ઘટાડો કર્યો છે. ટેસ્લા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ તેના કુલ બિટકોઈન હોલ્ડિંગના 75% વેચાણ કર્યું છે.
એલોન મસ્કની કંપની ટેસ્લાએ શેરધારકોને જણાવ્યું હતું કે, “અમે લગભગ 75% બિટકોઈન હોલ્ડિંગને ફ્લેટ કરન્સીમાં રૂપાંતરિત કર્યા છે.” કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, $936 મિલિયનને રોકડમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ઈલેક્ટ્રિક કાર નિર્માતા કંપનીએ 2021માં આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે તેણે બિટકોઈનમાં $1.5 બિલિયનનું રોકાણ કર્યું છે. જેમાંથી આ વર્ષે એપ્રિલમાં કંપનીએ તેનો 10% હિસ્સો વેચ્યો હતો.
ટેસ્લા હાલમાં કોવિડ-19ને કારણે રોકડ પ્રવાહિતાની સમસ્યાનો સામનો કરી રહી છે. આ જ કારણ છે કે ઈલોન મસ્કની કંપનીએ બિટકોઈનમાં પોતાનો હિસ્સો ઘટાડવાનો નિર્ણય લીધો છે. જોકે, ઈલોન મસ્કની કંપનીએ ડોજકોઈનમાં તેનો હિસ્સો ઘટાડ્યો નથી. તમને જણાવી દઈએ કે, મે 2021માં ટેસ્લા બિટકોઈનથી પેમેન્ટ લઈ રહી હતી. પરંતુ આ પ્રક્રિયા બે મહિના સુધી પણ ચાલી ન હતી.
છેલ્લા 24 કલાક દરમિયાન બિટકોઈનની કિંમતમાં 2.3%નો ઘટાડો થયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન Ethereum 3.2% ઘટ્યો હતો. CoinGecko અનુસાર, આજે એક બિટકોઇનની કિંમત $22,861.78 છે. તે જ સમયે, ઈથર આજે $1497.11 પર ટ્રેડ થઈ રહ્યું છે. ડોજકોઈનના રોકાણકારોને પણ આજે ઝટકો લાગ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કિંમતોમાં 2.2% નો ઘટાડો થયો છે.