ખોડલધામના નરેશ પટેલે કહ્યું છે કે સમાજ અને આગવાનો કહેેેશે તો રાજકારણમાં એન્ટ્રી કરવા અંગે વિચારણા કરવામાં આવશે. નરેશ પટેલે રાજકારણમાં એન્ટ્રી કરવાના સંકેત આપ્યા હોવાથી ભાજપ અને કોંગ્રેસ એમ તમામ પાર્ટીઓમાં ખાસ્સો એવો ગરમાટો જોવા મળી રહ્યો છે. શું ખરેખર નરેશ પટેલ રાજકારણમાં જોડાશે? તો આ પ્રશ્નનો જવાબ અમારી માહિતી પ્રમાણે ના છે.
તમને જણાવી દઈએ કે 2017માં આવી જ રીતે નરેશ પટેલ માટે ચર્ચા ચાલી હતી કે તેઓ રાજકારણમાં એન્ટ્રી કરી રહ્યા છે તે સમયે નરેશ પટેલે કહ્યું હતું કે પરિવારના સભ્યો સાથે વાત કરીને નિર્ણય કરવામાં આવશે. ત્યાર બાદ તેમણે જાહેર કર્યું હતું કે કુટુંબકજનો સાથે વાત કર્યા એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે રાજકારણમાં જોડાવાની જરુર નથી, અને નરેશ પટેલે તે સમયે પણ રાજકારણમાં એન્ટ્રી કરવાનું માંડી વાળ્યું હતું.
એવું કહેવાય છે કે ભાજપ, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી કે અન્ય પાર્ટઓ ખોડલધામના નરેશ પટેલના સંબંધો બધા સાથે છે અને આ જ કારણો છે તેઓ રાજકારણમાં આવીને કોઈ એક પાર્ટી પુરતા સીમીત રહેવા માંગતા નથી. તેમના કહેવાથી બે-પાંચ લોકોને લગભગ લગભગ બધી જ પાર્ટીઓ ટીકીટ આપે છે તો તેઓ રાજકારણમાં જોડાવાનું જોખમ ખેડતા નથી અને સલામત અંતર રાખે છે. આમેય બિઝનેસની દ્રષ્ટિએ નરેશ પટેલના પિતા રવજીભાઈએ પરિવારને એક તાંતણે રાખ્યું છે ત્યારે હજુ સુધી નરેશ પટેલ પરિવાર રાજકારણથી દુરનું દુર જ રહ્યું છે અને છેક ઘડી સુધી સસ્પેન્સ રાખીને રાજકારણની ગાડીમાંથી ઉતરી જાય છે.
પણ આ વખતે કોંગ્રેસે તેમને ઓપન ઈન્વિટેશન આપી દીધું છે. ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર અને હાર્દિક પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ નરેશ પટેલને વાંહે-વાંહે આવકારી રહ્યા છે. ભાજપનાં નેતાઓ છક છે. કોંગ્રેસે નરેશ પટેલ અંગે જાહેરમાં દરવાજા ખોલી નાંખ્યા છે. નરેશ પટેલ અંગે ભાજપ એટલા માટે કાર્ડ ખોલી રહ્યું નથી કે ભાજપ પાસે સીકે પટેલ સહિતનો પાટીદારોનો અલગ ચોકો છે. વડાપ્રધાન મોદીએ વિશ્વ ઉમિયા કાઉન્સીલ દ્વારા પાટીદાર સમાજની નવી સામાજિક નેતાગીરી ઉભી કરી છે. કદાચ આ જ કારણોસર ભાજપે નરેશ પટેલ અંગે સાવચેતીપૂર્વક ચાલવાનું નક્કી કર્યું એવું લાગે છે.
કોંગ્રેસ એટલા માટે ગેલમાં છે કે નરેશ પટેલ અને તેમના વડવાઓએ વર્ષોથી સામાજિક ક્ષેત્રે મોટું યોગદાન અને પ્રદાન આપ્યું છે. નાત-જાત,જાતિ-જ્ઞાતિ અને ધર્મના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સેવાની ઘૂંણી ધખાવી છે. નરેશ પટેલ કોંગ્રેસમાં આવે છે તો કોંગ્રેસની પાટીદારોમાં તાકાત બેવડાઈ શકે છે.
ભાજપ અને કોંગ્રેસ પાટીદારોને લઈ શસ્ત્રો સજાવી લીધા છે ત્યારે ગુજરાતમાં એડીચોટીનું જોર લગાવી કૂદકા મારી રહેલી આમ આદમી પાર્ટી માટે પાટીદારોમાં પ્રભૂત્વ મેળવવા માટે કેટલો અવકાશ છે તે એક પ્રશ્ન બની રહ્યો છે.