દિલ્હી નજીક આવેલા નોઈડામાં શુક્રવારે આઠ કલાકની અંદર જ આખો પરિવાર ખતમ થઈ ગયો હતો. સવારે અંદાજે 11.30 વાગે એક યુવકે ટ્રેન સામે કુદીને આત્મહત્યા કરી લીધી હતી. તેના આઘાતમાં સાંજે 7.30 વાગે પત્નીએ બાળકીની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને આર્થિક તંગીનું કારણ લાગી રહ્યું છે.
સપ્ટેમ્બરમાં કાઠમંડુથી દિલ્હી શિફ્ટ થયો હતો પરિવાર
પોલીસના જણાવ્યા પ્રમાણે ચેન્નાઈમાં રહેતા 33 વર્ષના ભરત જે સુબ્રમણ્મય સપ્ટેમ્બરમાં જ કાઠમંડુથી નોઈડા શિફ્ટ થયા હતા. અહીં તેઓ સેક્ટર-128માં જેપી પવેલિયન કોર્ટમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં તેમની સાથે તેમની 31 વર્ષની પત્ની શિવરંજની અને 5 વર્ષની દીકરી જયશ્રીતા અને ભાઈ કાર્તિક હતો. કાર્તિક અહી કોચિંગ કરતો હતો. ભરત એક ચા કંપનીમાં મેનેજર હતો.
હોસ્પિટલથી પરત આવીને પત્નીએ ગળે ફાંસો ખાધો
શુક્રવારે સવારે 11.30 વાગે ભરતે દિલ્હીની જવાહરલાલ નહેરુ મેટ્રો સ્ટ્રેશન પર ટ્રેન સામે કુદીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે લાશ ઓળખીને પત્નીને જાણ કરી હતી. પત્ની તેના દિયર કાર્તિક સાથે રામમનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યારપછી શિવરંજનીએ પણ 5 વર્ષની દીકરીની હત્યા કરીને પોતે ગળે ફાંસો ખાઈ લીધો હતો. ફ્લેટમાં બંનેની લાશ ફંદા સાથે લટકતી મળી હતી.