એશિયન ચેમ્પિયન અમિત પંઘાલ, તેમજ કોમનવેલ્થ ગેમ્સના સિલ્વર મેડલિસ્ટ મનીષ કૌશિક અને સંજીતે મંગળવારે પુરૂષોની વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પોતપોતાની બાઉટ જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પંઘાલે 52 કિગ્રાની કેટેગરીમાં તુર્કીના બાતૂહાન સિક્કીને 5-0થી, કૌશિકે 63 કિગ્રાની કેટેગરીમાં મોંગોલિયાના ચિંજોરિગ બાતારસુખને 5-0થી હરાવ્યો હતો. જ્યારે સંજીતે 91 કિગ્રાની કેટેગરીમાં મોટો અપસેટ સર્જીને બીજા ક્રમાંકિત ઉઝબેકિસ્તાનના સંજાર તુર્સુનોવને 3-2થી હરાવ્યો હતો.
પંઘાલ પોતાની બીજી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ ભણી આગળ વધ્યો હતો, જ્યારે કૌશિક અને સંજીત પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યા છે અને તેઓ પોતાનો પહેલો મેડલ જીતવાના પ્રયાસમાં છે. આ ત્રણેય બોક્સર ભારતીય સૈન્યના જવાન છે. પંઘાલનો હવે પછી ફિલીપાઇન્સના કાર્લો પલામ સાથે મુકાબલો થશે, જ્યારે કૌશિકનો સામનો બ્રાઝિલના વાન્ડેરસન ડિ ઓલિવિયરા સાથે થશે. જ્યારે સંજીત ઇક્વાડોરના જુલિયો સેસા કાસ્ટિલો ટોરેસ સાથે બાથ ભીડશે.