સૂર્યદેવના મીન રાશિમાં પ્રવેશ સાથે 14 માર્ચ એટલે કે આજ થી ખરમાસ શરૂ થશે, જે 13 એપ્રિલ સુધી રહેશે. આ એક મહિનાના સમયગાળામાં લગ્ન અને અન્ય મંગળ કાર્ય થઇ શકશે નહીં. પૂજા-પાઠ, ભજન-કીર્તન અને સત્સંગ કરી શકાશે. આ સમયગાળામાં દાન-પુણ્ય કરવું અતિ વિશિષ્ઠ ફળદાયી હોય છે. ખરમાસને મળમાસ પણ કહેવામાં આવે છે. તેમાં ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. સૂર્ય જ્યારે-જ્યારે બૃહસ્પતિની રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે-ત્યારે કોઇપણ પ્રકારના માંગલિક કાર્ય કરી શકાતા નથી. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં જ્યારે સૂર્ય ધન રાશિમાં હોય છે ત્યારે અને માર્ચ તથા એપ્રિલમાં મીન રાશિમાં સૂર્યના આવી જવાથી માંગલિક કાર્ય થઇ શકતાં નથી. સૂર્યના મીન રાશિમાં હોવાથી માંગલિક કાર્ય કરી શકાતા નથી. ગૃહ પ્રવેશ અને સોળ સંસ્કાર સહિત લગ્ન મુહૂર્ત 14 એપ્રિલથી શરૂ થશે, જે જૂન મહિના સુધી રહેશે ત્યાર બાદ નવેમ્બર અને ડિસેમ્બરમાં લગ્ન મુહૂર્ત રહેશે. એપ્રિલમાં 6 દિવસ, મે મહિનામાં 16 દિવસ, જૂનમાં 8 દિવસ રહેશે. ત્યાર બાદ નવેમ્બરમાં 3 દિવસ અને ડિસેમ્બરમાં 7 દિવસ લગ્ન મુહૂર્ત રહેશે.