નવી દિલ્હી: દેશનો GDP ગત નાણાકીય વર્ષમાં 7.1%હતો, જ્યારે આ વર્ષના ચોથા ક્વાર્ટરમાં 6.1% છે. ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથનો આંકડો આટલો નીચો જવાનું કારણ નોટબંધી મનાઈ રહ્યું છે. પરિણામે સૌથી ઝડપથી વિકાસ પામતી અર્થવ્યવસ્થાનું બિરુદ પણ ભારત પાસેથી છીનવાયું છે.
જો કે કેન્દ્રિય નાણાંમંત્રી અરુણ જેટલીએ જીડીપી ગ્રોથ ઘટવા પાછળ વૈશ્વિક આર્થિક મંદીને જવાબદાર ઠેરવી હતી.
અરુણ જેટલીએ કહ્યું હતું કે, દેશના જીડીપી ગ્રોથ પર વૈશ્વિક આર્થિક મંદીની અસર પડી છે અને વૈશ્વિક પરિદ્રશ્ય જોતાં ભારતમાં જીડીપી ગ્રોથ ઘણો સારો કહી શકાય.
મોદી સરકારના ત્રણ વર્ષ પૂરા થવા પર અરુણ જેટલીએ ગુરુવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં જેટલીએ સરકારના ત્રણ વર્ષના કામકાજને વર્ણવતા કહ્યું હતું કે, અમને વારસામાં એક એવી અર્થવ્યવસ્થા મળી હતી, જ્યાં ભ્રષ્ટાચાર હતો. ત્રણ વર્ષ પહેલા રોકાણકારોને અર્થવ્યવસ્થા પર ભરોસો ન હતો. પરંતુ NDA સરકારના શાસન દરમિયાન અર્થવ્યવસ્થાની વિશ્વસનીયતા પ્રાપ્ત કરવામાં સરકાર સફળ રહી છે.
નોટબંધીની વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, નોટબંધીના કારણે લોકો ડિજિટલ ટ્રાન્જેકશન તરફ વળ્યા, કરદાતાઓની સંખ્યામાં વધારો થયો અને કાળાનાણાંની અર્થવ્યવસ્થાનો ખાતમો થયો.