ગુજરાતમાં પેપર લીક કૌભાંડને ભાજપ સરકાર પર વિપક્ષો હાવી થઈ ગયા છે. ગુજરાત સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. હજુ સુધી ગૌણ સેવા મંડળના અસિત વોરાને લઈ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો નથી, બલ્કે અસિત વોરાની સામે સંડોવણીના પુરાવા ન હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ દરમિયાન પેપર લીક કૌભાંડને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરી હતી. હાર્દિક પટેલે જણાવ્યું કે જે સરકાર યુવાનોના ભવિષ્ય સમાન પેપર ન સાચવી શકતી હોય તો એ સરકાર ગુજરાતના લોકોને સમૃદ્વ બનાવી શકે. છેલ્લા પાંચ વર્ષની અંદર સાતથી આઠ પેપર લીકની ઘટના બની. આ માત્ર પેપર લીકની ઘટના નથી પણ 20-25 લાખ યુવાનોના સપનાઓને રોળી નાંખવાનું કામ સરકારે કર્યુ છે.
હાર્દિકે કહ્યું કે હું જનતાને આહવાન કરું છું, યુવાનોને આહવાન કરું છું કેજે સરકારે તમારા ભવિષ્ય સમાન પેપર ફોડી નાંખ્યા છે તો આ યુવાનો ભેગા થાય અને સરકારને ફોડી નાંખે. જે સરકાર તમારા સપનાઓને ચકનાચૂર કરતી હોય એ સરકાર સામે તમે કેમ બોલતા નથી?
હાર્દિકે કહ્યું કે રાજકોટમાં બીકોમનું પેપર ફૂટ્યું, હજુ પરીક્ષા બાકી છે.જો સરકાર પેપર સાચવી શકતી નથી તો આવનાર સમયમાં નોકરી કેવી રીતે આપશે.આની પાછળ મોટું ષડયંત્ર છે. આરએસએસના લોકો, ભાજપના નેતાઓ અને અમૂક અધિકારીઓનું પણ ષડયંત્ર છે. જનતા દુખી, પરેશાન છે. લોકો મોંઘવારી પરેશાન છે. ભાજપના નેતાઓ કહે છે કે અમે બધું કરીએ છીએ પણ લોકો તો અમને મત આપે છે. આ સૌથી મોટી સમસ્યા છે.
હાર્દિક પટેલે કહ્યું કે અમે વિરોધ કરીએ છીએ તો ભાજપ માને છે કે વિરોધ કરવા દો, લોકો તો અમને જ વોટ આપવાના છે. ભાજપ લોકો સાથે સાયકોલોજિકલ ગેમ રમી રહ્યું છે. એમને એકવાર સત્તામાંથી હટાવો.હિમાચલ પ્રદેશમાં લોકસભા અને વિધાનસભાની એક સીટ હારી ગયા તો પેટ્રોલ-ડીઝલમાં 11 રુપિયા ઓછા કરવા પડ્યા.
તેમણે કહ્યું કે 14 વર્ષ બાદ ભગવાન રામે વનવાસ વેઠીને અયોધ્યા પાછા આવી રામ રાજ્ય સ્થાપિત કર્યું હતું. તમે અમને 25-30 વર્ષથી વનવાસ આપ્યો છે. હવે એક મોકો તો આપો, રામ રાજ્ય સ્થાપિત ન થાય તો પાછા કાઢી મુક્જો. કોંગ્રેસ પાસે નીતિ છે. આયોજન છે. હાર્દિક પટેલ યુવાનો માટે લડવા તૈયાર છે. જો યુવાનો તૈયાર હોય તો પાર્ટી છોડીને પણ લડવાની તૈયારી છે. એક લાખ લોકોના પેપર લીક થયા છે તો 25 હજાર લોકો આવશે ગાંધીનગર?
હાર્દિકે કહ્યું કે ભાજપના કાર્યાલય કમલમ ખાતે જઈને આવું ન કરવું જોઈએ. હું હોત તો ભાજપ કાર્યાલયને તોડી નાંખત. યુવાનોનાં સપનાઓ તોડ્યા છે.