સોનાના ઘરેણાઓનું હોલમાર્કિંગ 15 જાન્યુઆરી 2021થી અનિવાર્ય બનશે. કન્ઝ્યુમર મામલાઓના મંત્રી રામવિલાસ પાસવાને શુક્રવારે આ માહિતી આપી. મંત્રાલય 15 જાન્યુઆરી 2020એ નોટિફિકેશન બહાર પાડશે, પરંતુ આ નિર્ણયને લાગુ કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે, જેથી જ્વેલર સ્ટોક ક્લીયર કરી શકે. હોલમાર્કિંગ હાલ વૈકલ્પિક છે.
દેશમાં માત્ર 40% જ્વેલરીનું જ હોલમાર્કિગ થઈ રહ્યું છે
હોલમાર્કિંગ સોનાની શુદ્ધતાનો માપદંડ છે. સમગ્ર દેશમાં હાલ 800 હોલમાર્કિંગ સેન્ટર છે. માત્ર 40 ટકા જ્વેલરીનું જ હોલમાર્કિંગ થાય છે. ભારત વિશ્વમાં સૌથી વધુ સોનું આયાત કરે છે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ(BIS) દ્વારા હોલમાર્ક ગોલ્ડ જ્વેલરી પર બીઆઈએસનું નિશાન આપવામાં આવે છે. તેનાથી એ ખ્યાલ આવે છે કે લાઈસન્સહોલ્ડર લેબમાં સોનાની શુદ્ધતા કરવામાં આવી છે. બીઆઈએસની વેબસાઈટના જણાવ્યા મુજબ, આ દેશમાં એકમાત્ર એજન્સી છે, જેને સોનાના ઘરેણાના હોલમાર્કિંગ માટે સરકારે મંજૂરી આપી છે. ઘણાં જ્વેલર બીઆઈએસની સેવા લીધા વગર પોતે જ હોલમાર્કિંગ કરે છે, આ કારણે ખરીદી પહેલા એ જાણવું જરૂરી છે કે જ્વેલરી બીઆઈએસ હોલમાર્કિંગ ધરાવે છે કે નહિ.