ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે અધધધ ફોર્મ ભરાયા છે. ગુજરાતભરની ગ્રામ પંચાયોતની ચૂંટણીમાં આ વખતે બિનહરીફ થવાની વાત અત્યાર સુધી સાંભળવા મળી નથી એટલે કે ગામડાઓમાં રાજકીય જંગ તીવ્ર બનવાની શક્યતા જોવા મળી રહી છે.
રાજ્યભરની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સરપંચના પદ માટે 31,000 થી વધુ ફોર્મ ભરાયા છે અને સભ્યની ચૂંટણી માટે એક લાખ 16 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. આ એક પ્રકારે રેકોર્ડ છે. ગામડાઓમાં બેલેટથી વોટીંગ થાય છે અને આ વખતે ગામડાનાં લોકો બેલેટ દ્વારા ભાજપ, કોંગ્રેસ અને આપના સમર્થક ઉમેદવારોનો ફેસલો કરશે. આમ તો ગામડાઓમાં રાજકીય પાર્ટીઓના બેનર હેઠળ વિશેષ રીતે ચૂંટણી લડાતી નથી પણ ભાજપ દ્વારા કેટલીક જગ્યાએ પાર્ટીના બેનર હેઠળ ગ્રામ પંચાયતોની ચૂંટણી લડવામાં આવે છે. જ્યારે કોંગ્રેસ ગામડાઓમાં પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડતી નથી પણ સરપંચ અને સભ્યોને સમર્થન આપીને ચૂંટણી લડે છે.
બીજી તરફ આપ માટે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવવાની તક છે. હવે આપ આ ચૂંટણીમાં ઉમેદવારોને સમર્થન આપે છે કે પાર્ટીના સિમ્બોલ પર ચૂંટણી લડાવે છે તે જોવાનું રહે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગ્રામ પંચાયતોના બેલેટ બતાવશે કે ગામડાના લોકોનો પ્રવાહ કઈ પાર્ટી તરફ છે. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી મહત્વની બની છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં હાર અને વાપી નગરપાલિકામાં પછડાટ બાદ કોંગ્રેસ ગુજરાતમાં ક્યાં છે તેનો નિચોડ આ ચૂંટણીના પરિણામો પર જાણી શકાશે.
શહેરી વિસ્તારોમાં ભાજપને ચૂંટણીમાં ઝાઝો વાંધો આવતો નથી પણ ગામડાઓમાં ભાજપ પોતાના વર્ચસ્વને ચકાસવા માટે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરિણામો પર મદાર રાખશે. કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષી નેતા સુખરામ રાઠવા માટે પણ આ ચૂંટણી પ્રથમ પરીક્ષા સમાન બની રહેશે. બન્નેની આ પ્રથમ પરીક્ષા હોવાથી કોંગ્રેસની નેતાગીરીની નજર પણ ચૂંટણી પરિણામો પર મંડાયેલી રહેશે.