વી દિલ્હી:
જીએસટી લાગુ થયા બાદ કેબલ અને ડીટીએચ સેવાઓ સસ્તી થઇ જશે. સ્માર્ટફોન, મેડિકલ ઉપકરણ, આયુર્વેદિક અને હોમ્યોપથિક (આયુષ) દવાઓ અને સિમેન્ટના ભાવ પણ ઘટશે. નાણામંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં આ વાત કહી હતી. તેના અનુસાર હાલ કેબલ અને ડીટીએચ પર 15 ટકા સર્વિસ ટેક્સ સાથે રાજ્યોનો એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ પણ લાગે છે. તે 10-30 ટકા સુધી છે. જીએસટીમાં માત્ર એક ટેક્સ 18 ટકાના દરે લાગશે.સિનેમા ટિકિટ પર હાલ સર્વિસ ટેક્સ સાથે એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ લાગે છે. મંત્રાલયના અનુસાર એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ રાજ્યોમાં 100 ટકા જેટલો છે, પણ જીએસટીમાં માત્ર 28 ટકા લાગશે. જેના કારણે દર્શકોને ઘણો ફાયદો થશે તેમજ ટેક્સના નામે તેમની પાસેથી કેટલાક લોકો દ્વારા ઉઘરાવાતી વધારાની રકમ બંધ થશે. સર્કસ, થિયેટર, ક્લાસિકલ કે ફોક ડાન્સ, ડ્રામા વગેરે પર પણ 18 ટકા ટેક્સ લાગશે. હાલ તેમની પર રાજ્યોનો એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ લાગે છે. જીએસટીમાં 250 રૂપિયા સુધીની ટિકિટ ટેક્સ ફ્રી રહેશે.સર્વિસ પ્રોવાઇડર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો પણ લાભ મળશે. હાલ ઘરેલુ માર્કેટથી ખરીદાયેલી મશીનરી પર વેટ કે ઇમ્પોર્ટેડ કેપિટલ ગુડ્સ પર સ્પેશિયલ એડિશનલ ડ્યૂટીની ક્રેડિટ નથી મળતી. નગર નિગમ કે પંચાયતો દ્વારા લગાવાતો એન્ટરટેઇન્મેન્ટ ટેક્સ યથાવત રહેશે. જીએસટીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સ સામેલ કરાયા છે. સ્થાનિક એકમોના ટેક્સ પણ જળવાઇ રહેશે.