બગોદરા નજીક ટ્રક પાછળ તુફાન ઘૂસતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં અમદાવાદ બગોદરા ધોળકા પર રોડ પર ઉભેલા ટ્રક પાછળ તુફાન ઘુસી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે 3 વિદ્યાર્થીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો અન્ય 9 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ વિદ્યાર્થીઓ રાજકોટથી જુડોની મેચ રમવા ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જૂડો-કરાટેની સ્પર્ધામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના કો-ઓર્ડીનેટર ભાર્ગવ પઢિયારના પુત્ર હર્ષલ પઢિયાર પણ રમવા ગયો હતો. હર્ષલનું આ માર્ગ અકસ્માત મોત થતાં કોંગ્રેસના નેતાઓએ શ્રદ્વાંજલિ આપી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે શ્રદ્વાંજલિ આપતા જણાવ્યું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના કો-ઓર્ડીનેટર ભાર્ગવભાઈ પઢિયારના પુત્ર હર્ષલ પઢિયારના માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન ના સમાચાર જાણી ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છુું. ઈશ્વર દીકરા હર્ષલની આત્માને શાંતિ અર્પે અને પરિવાર પર આવી પડેલ દુઃખ ને સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વાપી ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની અંડર-૧૯ જુડો સ્પર્ધામાં ભાગ લઇ પરત ફરી રહેલા સ્પર્ધકોના વાહનને અરણેજ પાસે કમનસીબ અકસ્માત થયો હતો તે અંગે દુઃખની લાગણી વ્યક્ત કરીને મૃતકો પ્રત્યે સંવેદના દાખવી છે અને ઇજાગ્રસ્તોનો તમામ સારવાર ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
શિક્ષણ મંત્રીએ જાન ગુમાવનાર ત્રણ વ્યક્તિઓ માટે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, ઘટનાની જાણ થતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરીને સ્થાનિક વહીવટીતંત્રને સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવી મોનીટરીંગ કરવા સૂચનાઓ આપી હતી. તેમજ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓને પ્રત્યેકને રૂ. ૪ લાખની સહાય આપવાની તથા ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓને વ્યક્તિ દીઠ રૂ. ૫૦ હજારની સહાય આપવાની સંવેદનાસભર જાહેરાત કરી છે.
તેમણે બે વિધાર્થીઓએ અને એક કોચ મળી કુલ ત્રણ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે તેમના પરિવારોને પ્રભુ દુ:ખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરીને સરકાર તેમની પડખે ઉભી છે.તેમણે સ્થાનિક વહિવટીતંત્ર સાથે ટેલીફોનિક વાતચીત કરીને ઈજાગ્રસ્તોને સંપૂર્ણ સારવાર ત્વરિત મળે તેમાટે સતત મોનિટરીંગ કરવા પણ સૂચનાઓ આપી છે.