ગુજરાતના રાજકારણમાં ત્રણ નામો હંમેશા ગૂંજતા રહેશે. પ્રથમ નામ માધવસિંહ સોલંકી, બીજું ચીમનભાઈ પટેલ અને ત્રીજું નરેન્દ્ર મોદી. આ ત્રણ નામો એવા છે કે કોઈ પણ રાજકીય કે સામાજિક બાબતમાં તેમનો ઉલ્લેખ અવશ્ય કરવો પડે એમ છે. ત્રણેય નેતાઓએ રાજનીતિમાં અનેકાનેક સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે, જેનો જોટો જડવો મુશ્કેલ છે.
ગુજરાતની રાજનીતિમાં માધવસિંહ સોલંકી એક એવા નેતા પાક્યા કે તેમના નામે રેકોર્ડ બની ગયો છે. માધવસિંહ સોલંકીના નામે ગુજરાતમાં સૌથી વધુ સીટ અને સૌથી ઓછી સીટ મેળવવાના બન્ને રેકોર્ડ નોંધાયેલા છે.
1981માં મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારની રચના કરવામાં આવી. સોલંકી કેબિનેટે અનેક કાર્યોની શરુઆત કરી. એમ કહો કે ગુજરાતની વિકાસગાથાનો પ્રારંભ થયો. પણ બક્ષી કમિશનની ભલામણોના આધારે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે અનામત ભલામણ સ્વીકાર્યોનો મુદ્દો આખાય ગુજરાતમાં સળગી ગયો. સમગ્ર રાજ્યમાં અનામત વિરોધી આંદોલન ફાટી નીકળ્યું હતું. જેમાં 100 કરતાં વધુ લોકોના મોત થયા હતા.

જગજાહેર છે કે અનામત વિરોધી આંદલોનના કારણે માધવસિંહ સોલંકીએ1985માં રાજીનામું આપ્યું પરંતુ બાદમાં 182 વિધાનસભા બેઠકોમાંથી 149 બેઠકો જીતીને સત્તા પર પાછા ફર્યા. આ એક ઈતિહાસ છે. તેમને ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમોએ ટેકો આપ્યો હતો. માધવસિંહ સોલંકીના આ ફોર્મ્યુલાને KHAM (ખામ) તરીકે ઓળખવામાં આવે છે. ખામ થિયરીના કારણે કોંગ્રેસને 149 સીટ મળી હતી. જેનો શ્રેય માધવસિંહ સોલંકીને આપવામાં આવે છે.
ત્યાર બાદ કોંગ્રેસે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કર્યું અને અમરસિંહ ચૌધરીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. વિધાનસભાની ચૂંટણીની આડે 11 મહિના બાકી હતા ત્યારે અમરસિંહ ચૌધરીને હટાવી ફરી એક વાર માધવસિંહ સોલંકીને ગુજરાતની કમાન સોંપવામાં આવી હતી.

1990માં આઠમી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી. જનતા દળ (JD) અને ભારતીય જનતા પાર્ટી (BJP)એ અનુક્રમે 70 અને 67 બેઠકો જીતી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અગાઉની વિધાનસભા ચૂંટણીમાં 149 બેઠકોની સરખામણીમાં માત્ર 33 બેઠકો જીતી હતી. આમ 1990ની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 33 બેઠકો જ જીતી શકી હતી અને ત્યારે પણ માધવસિંહ સોલંકીનું નેતૃત્વ હતું. આવી રીતે માધવસિંહ સોલંકીના નામે સૌથી વધુ સીટ જીતવાનો રેકોર્ડ છે તો સાથો સાથ સૌથી ઓછી સીટ જીતવાનો રેકોર્ડ પણ છે.
2021માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 સીટ જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. જાણકારો કહી રહ્યા છે કે માધવસિંહના બન્ને રેકોર્ડને તોડી શકશે કે કેમ તે એક પ્રશ્ન છે. આવનાર દિવસોમાં જોઈએ ગુજરાતનું રાજકારણ કઈ દિશા તરફ આગળ વધે છે.