શાસ્ત્રનુસાર કળયુગમાં સાત ચિરંજીવી દેવતાઓમાં એક હનુમાનજી છે તેથી જ રામાયણમાં રામભક્ત તરીકે અને મહાભારતમાં અર્જુનના રથ પર તેઓ વિરાજમાન દેખાય છે. હનુમાનજી સૌથી જલદી પ્રસન્ન થનારા ભગવાન પણ માનવામાં આવે છે તે સ્મર્તુગામી દેવ છે તેમને સાચા મન થી જો હનુમાન ચાલીસા નો પાઠ કરવામાં આવે તો આપણા રૂંવાડા ઉભા થઈ ગયા હોય તેવી અનુભૂતિ થાય છે. તેઓ ભગવાન શિવના 11માં અવતાર કહેવાય છે. દર વર્ષે ચૈત્રની પૂનમે હનુમાન જયંતી ઉજવાય છે. હનુમાનજીનો જન્મ દિવસ વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે. પહેલો જન્મ દિવસ ચૈત્રી પૂનમે અને બીજો કારતક મહિનાની ચૌદસે મનાવાય છે. શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી રાહુ અને શનિદોષની પીડાથી મુક્તિ મળે છે.
પૌરાણિક કથા
કહેવાય છે કે હનુમાનજીના માતા અંજના એક અપ્સરા હતા. તેમને શ્રાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. આ શ્રાપથી એમને ત્યારે જ મુક્તિ મળતી જ્યારે તેઓ સંતાનને જન્મ આપતાં. વાલ્મિકી રામાયણ મુજબ કેસરી શ્રી હનુમાનજીના પિતા હતા. તે સુમેરૂ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા. અંજનાએ સંતાનપ્રાપ્તિ માટે 12 વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળસ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો. એક કથા કહે છે કે હનુમાનજીને બહુ ભૂખ લાગી હતી ત્યારે તે આકાશમાં ઉડ્યાં અને સૂર્યને ફળ સમજીને ખાવા દોડ્યાં. એ જ દિવસે રાહૂ પણ સૂર્યે પોતાનો ગ્રાસ બનાવવામાં આવ્યો હતો. જો કે તેઓ હનુમાનજીને તે બીજો રાહુ સમજી બેઠાં. એ જ વખતે ઇન્દ્રએ પવનપુત્ર પર વજ્રથી પ્રહાર કર્યો જેનાથી એમની હડપચી(દાઢી) થોડી વાંકી થઇ ગઈ અને એટલે જ એમનું નામ હનુમાન પડ્યું.
હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું મહત્વ
હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું બહુ મહત્વ છે. આ સંબંધમાં એક કથા એવી છે કે એક વાર માતા સીતાને હનુમાનજીએ સેંથામાં સિંદૂર લગાવતા જોયા. તેમણે માતાને પૂછ્યું – મા આ શું લગાવી રહ્યાં છો? સીતાજીએ કહ્યું કે આનાથી ભગવાન શ્રીરામ પ્રસન્ન થાય છે. તેથી પોતાના પ્રભુને પ્રસન્ન કરવા માટે પોતાના આખા શરીરે સિંદૂર લગાવી લીધુ. એ જ રીતે તેલની પણ અલગ વાત છે. એકવાર શનિદેવ ગંધમાદન પર્વત તરફથી પસાર થયા. હનુમાનની ધ્યાનમગ્નતાને જોઈને એમને હનુમાનની ઈર્ષ્યા થવા લાગી. શનિમાં અકારણ અહંકાર જાગ્યો અને એણે વિચાર આવ્યો કે નિયમોનુસાર હું આ વાનરની રાશિ પર આવી જ ગયો છું. એ પછી બે-ચાર પટકની આપીને દુર્દશાનો આનંદ પણ માણીશ. એમણે પવનપુત્રને લલકાર્યા એટલે હનુમાનજીનું ધ્યાન ભંગ થયું. હનુમાને પોતાની સામે ઉપસ્થિત શનિદેવને ઓળખીને એમને નમસ્કાર કરીને વિનિત સ્વરમાં કહ્યું – હું પ્રભુ રામની ભક્તિમાં લીન છું, કૃપા કરીને મને મારું કામ કરવા દો. શનિદેવે કહ્યું કે વાનરરાજ મે દેવ-દાનવ અને મનુષ્ય લોકમાં આ બધે જ તમારી પ્રશંસા સાંભળી છે. તેથી કાયરતા છોડીને મારી સાથે યુદ્ધ કરો. મારી ભુજાઓ તમારા બળને જાણવા માટે ફડફડી રહી છે. હું તમને યુદ્ધ માટે લલકારું છું.
શનિની ધૃષ્ટતા જોઈને હનુમાને પોતાની પૂંછડી લાંબી કરી અને એમાં શનિદેવને લપેટી લીધા. એવા પકડ્યાં કે શનિ અસહાય બનીને છટપટાવા લાગ્યાં. આટલામાં રામસેતુની પરિક્રમાનો સમય થયો તો હનુમાનજી ઝડપથી દોડીને પરિક્રમા કરવા લાગ્યાં. પૂંછડી સાથે બંધાયેલા શનિદેવ પથ્થર, શિલાખંડો અને મોટામોટા વિશાળ વૃક્ષો સાથે અથડાઈ અથડાઈને લોહીલુહાણ થઇ ગયા. શનિ પવનપુત્રને છોડી દેવા માટે આજીજી કરવા લાગ્યાં ત્યારે હનુમાનજીએ વચન લીધું કે શ્રીરામ ભક્તિમાં લીન મારા ભક્તોને તમે કદી હેરાન નહી કરો. શનિદેવને અસહ્ય વેદના થઇ રહી હતી. તેમણે હનુમાન પાસે તેલ માંગ્યુ. એ દિવસે મંગળવાર હતો. તેથી મંગળવારે જે હનુમાનજીને તેલ ચઢાવે છે તે સીધુ શનિદેવને મળે છે અને પ્રસન્ન થઇને શનિદેવ આશીર્વાદ આપે છે. આમ હનુમાનજીને તેલ અને સિંદૂર મિક્સ કરીને ચઢાવવામાં આવે છે.