ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તમામ પક્ષો પાતપાતાની રીતે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. સ્ટાર પ્રચારકો પ્રચારમાં કોઈ કસર બાકી નથી રાખવા માગતા.હાર્દિક પટેલની બુધવારે રાત્રે રાજકોટમાં થયેલી જંગી જાહેરસભા પછી ભાજપની ઉંઘ ઉડાડે એવા આંકડાઓ સામે આવી રહ્યાં છે. હાર્દિક પટેલની સભાઓ સોશિયલ મીડીયામાં ધૂમ મચાવી રહી છે. રાજકોટના નાના મૌવા સર્કલ પર થયેલી હાર્દિક પટેલની જાહેર સભાને ફેસબુક પર એક સાથે 25 હજાર જેટલાં લોકોએ જોઇ હતી.
તમને જણાવી દઈએ કે ફેસબુક પર લાઇવ થયેલી આ જાહેરસભાને 73 હજારથી વધુ લાઇક્સ, 83 હજાર જેટલી કમેન્ટ અને 27 હજારથી વધુ શેરીંગ મળ્યું છે. બીજી રીતે કહીએ તો રાજકોટની હાર્દિક પટેલની જાહેરસભા ફેસબુક પર સુપર હીટ સાબિત થઇ હતી.
ગુજરાતમાં ચૂંટણી સમયે સોશિયલ મીડિયાનો પણ પ્રચાર માટે જોરશોરથી ઉપયોગ થઈ રહ્યો છે. હાર્દિક હોય કે પછી નરેન્દ્ર મોદી, બંનેની સભાઓનું ફેસબુક લાઈવ પણ અચૂક કરાય છે, જેને મોટી સંખ્યામાં લોકો નિહાળે છે.સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વધારે લોકો સુધી પહોંચી શકાય છે.
હાર્દિકે 18 નવેમ્બરે માણસામાં કરેલી સભા પણ ખાસ્સી વિવાદમાં આવી હતી.મંજૂરી વગર આ સભા કરાઈ હતી, જેના ફેસબુક લાઈવને મોટો પ્રતિસાદ મળ્યો હતો. આ સભાને ફેસબુક પર 5.73 લાખ વ્યૂ મળ્યા હતા. તે સિવાય 43 હજારથી પણ વધારે રિએક્શન અને 14 હજારથી પણ વધુ શેર્સ આવ્યા હતા. આ ફેસબુક લાઈવને 37 હજાર કોમેન્ટ્સ મળી હતી.
હાર્દિકના ફેસબુક પેજને જેટલી લાઈક્સ છે તેના કરતા ગુજરાત ભાજપના ફેસબુક પેજની લાઈક્સ ત્રણ ગણી વધારે હોવા છતાં હાર્દિકના ફેસબુક લાઈવને જેટલો રિસ્પોન્સ મળે છે તેનાથી અડધો રિસ્પોન્સ પણ મોદીની સભાના ફેસબુક લાઈવને નથી મળતો.અામ અત્યારે તો PM નરેન્દ્ર મોદીને ફેસબુક પર હાર્દિક પટેલ માત અાપી રહ્યો છે તે કહેવું કંઈ ખોટુ નથી.