ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ હરિદ્વારમાં આપઘાત કરનારા એક પુરૂષનો મૃતદેહ લેવા માટે એની પત્ની હોવાનો દાવો કરતી સાત મહિલાઓ પહોંચી હતી. એને લઇને પોલીસ ટેન્શનમાં આવી ગઇ હતી.40 વર્ષના એક પુરુષે રવિવારે અહીં આપઘાત કર્યો હતો. ત્યારબાદ એક પછી એક પહેલાં પાંચ મહિલાઓ આી. દરેકે પોતે મરનારની પત્ની હોવાનો અને મરનારને અન્ય મહિલા સાથે કોઇ સંબંધ હોવાની માહિતી નહીં હોવાના દાવા કર્યા હતા.
કલાકો સુધી ચાલી માથાકૂટ
કલાકો સુધી આ લમણાફોડ ચાલી હતી. પોલીસ નક્કી કરી શકતી નહોતી કે આ પાંચ પાંચ મહિલાઓના દાવાનો નિકાલ કેવી રીતે કરવો. એટલામાં બીજી બે મહિલા આવી હતી અને તેમણે પણ પોતે મરનારની પત્ની હોવાનો દાવો કર્યો હતો.
કોણ છે વ્યક્તિ ?
હરિદ્વારની રવિદાસ કોલોનીમાં રહેતો મરનાર પવન કુમાર ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. છેલ્લા થોડા સમયથી એ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. રવિવારે રાત્રે એણે ઝેર લીધું હતું. એની પત્નીએ એને બેહોશ હાલતમાં નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં એ મરણ પામ્યો હતો.
મરનારના ખાતામાં એક પણ પૈસો નથી
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે કહ્યું કે જે મહિલા પવન કુમારને હૉસ્પિટલમાં લઇ ગઇ એણે આપઘાત કેમ કર્યો એ વિશે અમને કોઇ માહિતી આપી નહોતી. એ મરનારની પત્ની હતી કે કેમ એની ખરાઇ અમે કરીએ ત્યાં બીજી ત્રણ ચાર મહિલા મરનારની પત્ની હોવાનો દાવો લઇને પોલીસ સ્ટેશને આવી હતી. મરનાર પવનના બેંક ખાતામાં એક પૈસો પણ નથી અને એ પોતે પણ ભાડાના ઘરમાં રહેતો હતો.