ભારતની સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસે યુરોપમાં એક મહિનાની અંદર સતત પાંચ ગોલ્ડ મેડલ જીતીને સપાટો બોલાવી દીધો છે અને તેના કારણે ક્રિકેટ પ્રેમી એવા આ દેશમાં હિમા દાસની લોકો વાહવાહી કરી રહ્યા છે. તેની આ સફળતાથી કોર્પોરેટ જગત પણ તેના પર ઓવારી ગયું છે અને તેના પરિણામે હિમાની એન્ડોર્સમેન્ટ ફી ત્રણ અઠવાડિયાની અંદર જ બે ગણી થઇ ગઇ છે. આ પહેલા આસામની 19 વર્ષીય દોડવીર હિમા દાસની ફી એક બ્રાન્ડ માટે વાર્ષિક લગભગ 30-35 લાખ રૂપિયા હતી. જે હવે વધીને 60 લાખ રૂપિયા વાર્ષિક થઈ ગઈ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર હિમાના એક્સક્લૂસિવ પ્રતિનિધિ તરીકે કામ કરતી સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ફર્મ આઈઓએસના મેનેજિંગ ડાયરેક્ટર નીરવે તોમરે કહ્યું હતું કે છેલ્લા ત્રણ અઠવાડિયામાં એક પછી એક સિદ્ધિ મેળવવાના કારણે હિમાની બ્રાન્ડ વેલ્યૂ વધીને ડબલ થઈ ગઇ છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનું સીધું જોડાણ ખેલાડીના પ્રદર્શન અને તેની લોકપ્રિયતા સાથે હોય છે. હાલમાં વિશ્વભરના દરેક પ્લેટફોર્મ પર હિમાની ચર્ચા થઈ રહી છે. નીરવે જણાવ્યું કે આઈઓએસ હવે હિમા માટે વોચ બ્રાન્ડ, ટાયર, એનર્જી ડ્રિંક બ્રાન્ડ, કુકિંગ ઓયલ અને ફૂડ જેવી કેટેગરીના બ્રાન્ડ સાથે નવી ડીલ પર વાત કરી રહ્યું છે.
હિમાના વર્તમાન એન્ડોર્સમેન્ટમાં એડિડાસ સ્પોર્ટસવિયર, એસબીઆઈ, ઇડલવાઇઝ ફાઇનાન્સિયલ સર્વિસેઝ અને નોર્થ-ઈસ્ટની સીમેન્ટ બ્રાન્ડ સામેલ છે. એ ઉલ્લેખનીય છે કે હિમા દાસે આ મહિનામાં કુલ પાંચ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. આ પહેલા હિમાએ 2 જુલાઈના રોજ યુરોપમાં, 7 જુલાઈના રોજ કુંટો એથ્લેટિક્સ મીટમાં, 13 જુલાઈએ ચેક ગણરાજ્યમાં જ અને 17 જુલાઈના રોજ ટાબોર ગ્રાં પ્રીમાં અલગ-અલગ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. હિમાના શાનદાર પ્રદર્શન અને આ સિદ્ધિઓના કારણે તેની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેથી તેના એન્ડોર્સમેન્ટ ફીસમાં વધારો થયો છે.