મધ્ય પ્રદેશમાં સાગર શહેરના રહેવાસી શ્યામલાલ યાદવના માથામાં 4 ઇંચના શિંગડાં જેવી ગાંઠ હતી. ડોક્ટરની ટીમે આ ખેડૂતનું ઓપરેશન કરીને સફળતાપૂર્વક ગાંઠ કાઢી દીધી છે. તેને સ્કિન ટ્યૂમર પણ કહેવામાં આવે છે. વર્ષ 2014માં શ્યામલાલને માથા પર ઇજા થઈ હતી, જે થોડા સમય પછી ગાંઠની જેમ વધવા લાગી.
શ્યામલાલે મીડિયાને જણાવ્યું કે, શરૂઆતમાં મને ઘણી તકલીફ થતી હતી, માથા પર આવી ગાંઠ જોઈને મને અજીબ લાગતું હતું, પરંતુ પછી તે મારી આદત બની ગઈ. મેં ઘણી વખત હોસ્પિટલમાં તે માથા પરથી કઢાવી પણ તે ગાંઠ ફરી આવી જતી હતી. આવું 5 વર્ષ સુધી ચાલ્યું. પણ હાલ થયેલા ઓપરેશનમાં મને આ ગાંઠથી ડોક્ટરની ટીમે છૂટકારો આપી દીધો છે.
ડો. ગજભિયેએ જણાવ્યું કે, શ્યામલાલને પાંચ વર્ષ પહેલાં માથા પર વાગ્યું હતું. ત્યારબાદ તે જગ્યાએ ગાંઠ વધવાની શરુ થઈ ગઈ. શરૂઆતમાં શ્યામલાલે ત્યાં ધ્યાન ન આપ્યું તેઓ વાળંદને ત્યાં આ ગાંઠ કપાવી દેતા હતા. ધીમે-ધીમે આ ગાંઠ શીંગડાંની જેમ વધતી ગઈ અને ત્યારબાદ શ્યામલાલે હોસ્પિટલના પગથિયાં ચઢ્યા. આ ગાંઠને અમે સર્જરી કરીને કાઢી છે. ઓપરેશન માટે શ્યામલાલને 10 દિવસ સુધી હોસ્પિટલમાં રાખ્યા હતા. તેમની સારવારમાં અમે સર્જરી, રેડિએશન થેરપી અને કીમોથેરપી આપી હતી. હાલ શ્યામલાલને માથા પરની આ ગાંઠથી છૂટકારો મળી ગયો છે.