ગઈ 17મી ડિસેમ્બરે ગુજરાતી ફિલ્મ હલકી ફૂલકી રિલીઝ થઈ છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેનું જોડાણ જામનગર સાથે છે. હલકી ફૂલકી ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ભારતના જાણીતા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના ઘર ક્રિકેટ બંગલામાં તેમજ લાખોટા તળાવની પાળ પર થયેલું છે. તેમ જ આજુબાજુના વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે.
હલકી ફૂલકી ફિલ્મ જામનગરના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબાના 20 વર્ષીય ભાઈ શત્રુદ્નસિંહ સોલંકી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મોનો સ્ક્રીનપ્લે લેખક પત્રકાર આશુ પટેલ અને ડાયલોગ લેખક ગીતા માણેકે લખ્યા છે. લોકડાઉન અને કર્ફ્યૂ દરમિયાન જામનગર અને રાજકોટમાં ફિલ્મનું મોટાભાગનું શૂટિગ કરવામાં આવ્યું છે.
હિન્દી ફિલ્મ ચોક એન્ડ ડસ્ટર તથા ગુજરાત 11 અને નટસમ્રાટ જેવી ગુજરાતી ફિલ્મો બનાવી ચૂકેલા રાઇટર-ડિરેક્ટર જયંત ગિલાટરની આ હલકી ફૂલકી ફિલ્મ કેવી છે? એક જ શબ્દમાં જવાબ આપવો હોય તો મજાની ફિલ્મ છે. ફિલ્મમાં મહિલાઓની વાત હળવી રીતે કરવામાં આવી છે. ફિલ્મ એક નહીં, બે નહીં નવ-નવ મહિલાઓની વાત છે. ફિલ્મમાં નેહા મહેતા, આનંદી ત્રિપાઠી, જયકા યાજ્ઞિક, ભાવિની ગાંધી, આંચલ શાહ, સાત્વી ચોક્સી અને માનસી જોશી સહિતની અભિનેત્રીઓએ કામ કર્યું છે. નેહા મહેતા એટલે સબ ટીવીના વિખ્યાત શો તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં અંજલિ તારક મહેતાનું પાત્ર ભજવીને જાણીતા થયેલા અભિનેત્રી નેહા મહેતા.
અનેરી, આનંદી, નીતિભાભી, કિર્તી, શક્તિ, ગાયત્રી, નીરજા, પરી અને વાણી એમ 9 મહિલાઓની વાત કરવામાં આવી છે જેઓ એકબીજા સાથે સમય વિતાવે છે. તેઓ માને છે કે પોતે ખુશ છે. કોઈ ગૃહિણી છે. કોઈ ડબિંગ આર્ટિસ્ટ તો કોઈ ઈન્ટિરિયર ડિઝાઈનર તો કોઈ જીવન વીમા પોલિસીની એજન્ટ છે. તેઓ અનેરીના ઘરે ક્યારેક ભેગા થાય છે તો ક્યારેક મોલ, થિએટર, બગીચા કે પબમાં. તેમને માત્ર પત્ની, માતા કે બહેન તરીકે જિંદગી નથી પસાર કરવી. તેમને ફૂલ ટુ લાઇફ એન્જોય કરવી છે.
એક વોટ્સગૃપનો સહારો લઈને આખીય વાત પ્રેક્ષકો સુધી મૂકી છે. આજની પેઢીને રસ પમાડે એવી સ્ટોરી ટેક્નિક અને માતાજીના નવ સ્વરૂપને પ્રતીક ગણીને નવ સ્ત્રીઓ આ ગૃપની મેમ્બર છે. જીવનમાં બની શકે એ પ્રકારની દરેક ઉથલપાથલ આ સ્ત્રીઓ અનુભવે છે પરંતુ ફિલ્મમાં કોઈએ નબળા સૂરમાં વાત કરી હોય એ ભાગ્યે જ જોવા મળે છે. ફિલ્મ જોતા કચ્છીની એક કહેવત યાદ આવી જાય : નંઢી ગાલ જ નાય!
સદીઓથી મનુષ્ય એનો એ જ રહ્યો છે પરંતુ એની સમસ્યાઓ નવા નવા પેકિંગમાં પેક થઈને એની સામે છે. આ પ્રકારની વાત ક્યાંકને ક્યાંક આ ફિલ્મમાં જોવા મળે છે. ‘હલકીફુલફી’ ગૃપની નવ મેમ્બર્સમાં પૈકી કોઈ વીમાની એજન્ટ છે તો કોઈ ડબિંગ આર્ટીસ્ટ છે, કોઈ વળી ગૃહિણી છે તો કોઈ ડિઝાઈનર પણ છે. એમને ઘિસિપીટી જિંદગી પસાર કરવી નથી પરંતુ જિંદગી જીવવી છે. માણવી છે.
હલકી ફૂલકી ફિલ્મમાં નવ પાત્રો હોવા છતાં ઈન્ટરવલ સુધી તમામ પાત્રો સ્થાપિત થઈ જાય છે. તેમાં રાઇટર-ડિરેક્ટરનું પૂરતું હોમવર્ક જોવા મળે છે. ફિલ્મમાં આટલા બધા પાત્રો હોવા છતાં વાર્તા ક્યાંય વેખેરાઈ જાતી નથી.