સોમવાર, 6 એપ્રિલે મહાવીર સ્વામીની જયંતી છે. મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રવર્તક ભગવાન શ્રીઆદિનાથની પરંપરામાં ચોવીસમાં તીર્થકર માનવામાં આવે છે. મહાવીર સ્વામીએ અહિંસા પરમો ધર્મ સૂત્ર આપ્યું હતું. મહાવીર સ્વામીની જીવનના અનેક એવા પ્રસંગ છે, જેમાં સુખ-શાંતિ મેળવવાના સૂત્ર ઉલ્લેખવામાં આવે છે. એક દિવસ વનમાં મહાવીર સ્વામી તપ કરી રહ્યા હતાં. તે જ વનમાં થોડાં ચરવૈયાઓ પોતાની ગાય અને બકરીને ચરાવવા આવ્યાં હતાં. બધા ચરવૈયાઓ અશિક્ષિત હતાં, તેઓ તપસ્યા વિશે કશું જ જાણતાં નહોતાં. ચરવૈયાઓએ મહાવીર સ્વામીને બેસેલાં જોયાં. તેઓ મહાવીર તપ કરી રહ્યા છે તેવું જાણતાં નહોતાં. ચરવૈયાઓ મહાવીરજી સાથે મજાક કરવા લાગ્યાં, પરંતુ સ્વામીજી પોતાના તપમાં મગ્ન હતાં, ચરવૈયાઓની વાતોથી તેમનું ધ્યાન તૂટ્યું નહીં. થોડાં જ સમયમાં આસપાસના ગામમાં આ વાત ફેલાઇ ગઇ. ગામમાં થોડાં વિદ્વાન પણ હતાં, જેઓ મહાવીર સ્વામીને જાણતાં હતાં. તેઓ બધા તરત જ વનમાં તે જગ્યાએ પહોંચી ગયાં, જ્યાં મહાવીરજી તપ કરી રહ્યા હતાં.
ગામના વિદ્વાન લોકો ચરવૈયાની ભૂલ પર માફી માંગવા લાગ્યાં. લોકોએ સ્વામીજી માટે ત્યાં એક રૂમ બનાવવાની વાત કહી. જેનાથી કોઇ તેમની સાધનામાં બાધક બને નહીં. ભગવાન મહાવીરએ બધાની વાતો ધ્યાનથી સાંભળી. તેમણે જણાવ્યું કે, આ બધા ચરવૈયાઓ પણ મારા પોતાના જ છે. નાના-નાના બાળકો પોતાના માતા-પિતાને મારે છે, ત્યારે માતા-પિતા બાળકોથી નિરાશ થતાં નથી. હું આ ચરવૈયાઓથી નિરાશ નથી. તમારે મારા માટે રૂમ બનાવવાની જરૂર નથી. કૃપા કરીને આ ધન ગરીબોના કલ્યાણમાં ખર્ચ કરો. જો કોઇ વ્યક્તિથી અજાણતાં ભૂલ થઇ જાય છે ત્યારે તે ભૂલની માફી મળી શકે છે. અજ્ઞાનના કારણે કરેલાં ખોટાં કાર્યો કરતાં લોકોને માફ કરી દેવા જોઇએ. અન્યને માફ કરવાથી આપણું મન શાંત રહે છે અને જીવનમાં સુખ બની રહે છે.