મેડિકલ ક્ષેત્રમાં પ્રગતિ થઈ હોવા છતાં આજે પણ કેન્સરનું નામ પડે તો વ્યક્તિ ટેન્શનમાં આવી જાય છે. કેન્સર સામે ભલે ઘણી સારવાર અને પદ્ધતિઓ વિકસી હોય પરંતુ કેન્સરને કારણે થતાં મૃત્યુની સંખ્યા પણ સમય સાથે વધતી જઈ રહી છે. કેન્સર ઘણા પ્રકારના થાય છે. તેમાંનું એક કેન્સર અન્નનળીનું કેન્સર છે, જેના કારણે દર વર્ષે 42 હજારો લોકો મૃત્યુ પામે છે અને દર વર્ષે કેન્સરના 47 હજાર નવા કેસો બહાર આવે છે. તેમાંથી 50% લોકો અન્નનળીના કેન્સરને ઓળખી નથી શકતા. આ કેન્સરને લઇને UKમાં 9,000 કેસો સામે આવ્યા છે. આ કેન્સરની સમયસર જાણ ન થઈ શકવાને કારણે તે શરીરમાં એટલું ફેલાઈ જાય છે કે તે વ્યક્તિ માટે જીવલેણ સાબિત થાય છે. આ કેન્સરનો વધતો જતો વ્યાપ જોઇને નેધરલેન્ડની રેડબાઉડ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ સાયન્સિસના વૈજ્ઞાનિકો દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી એક ઇલેક્ટ્રોનિક નાક તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે શ્વાસની ગંધ ઓળખીને જાણી લેશે કે સંબંધિત વ્યક્તિને અન્નનળીનું કેન્સર છે કે નહીં. આ કેન્સરને મેડિકલ ભાષામાં ઇસોફેજિઅલ કેન્સર કહેવામાં આવે છે. આ રિસર્ચ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એડવાન્સ્ડ મેડિકલ એન્ડ હેલ્થ રિસર્ચમાં પ્રકાશિત થયું છે.
બ્રિટનના ચેરિટી કેન્સર રિસર્ચના જણાવ્યાનુસાર, અન્નનળીની આજુબાજુ રહેલી કોશિકાઓ અનિયંત્રિત થઈ જાય છે, જેના કારણે અન્નનળીમાં કેન્સર થવાની શક્યતા 11% વધી જાય છે. રેડબાઉડ ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ સાયન્સિસના પ્રોફેસર પીટર સિયરસેમાનું કહેવું છે કે, ઇલેક્ટ્રોનિક નાક વ્યક્તિના શ્વાસથી ફક્ત 5 મિનિટમાં જ ઓળખી લેશે કે તેને અન્નનળીનું કેન્સર છે કે નહીં. આ કેન્સરમાં વ્યક્તિની અન્નનળી 25 સેમી લાંબી અને 2થી 3 સેમીપહોળી થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ AIથી બનાવેલા ઇલેક્ટ્રોનિક નાકનો અભ્યાસ 402 લોકો પર કર્યો છે. આવનારા બેથી ત્રણ વર્ષમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ થઈ જશે. અત્યારે અન્નનળીનું કેન્સર ઓળખવા માટે એન્ડોસ્કોપી કરવામાં આવે છે. આ પ્રક્રિયા અઘરી હોવાની સાથે બહુ ખર્ચાળ પણ છે. જેથી, અન્નનળીનું આ કેન્સર ઓળખવાની નવી પદ્ધતિ ભવિષ્યમાં ખર્ચ ઘટાડી શકે છે.