આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની સરકારે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા નિર્ધારિત શરતો અનુસાર પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. આ નિર્ણય લાગુ થયા બાદથી તમામ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં પ્રતિ લિટર લગભગ 14 થી 19 રૂપિયાનો વધારો થયો છે. રોકડની અછત વચ્ચે IMF તરફથી $6 બિલિયનનું રાહત પેકેજ પુનઃસ્થાપિત કરવાની આશામાં સરકારે આ પગલું ભર્યું છે.
પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે
પાકિસ્તાનના નાણા મંત્રાલય દ્વારા ગુરુવારે જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, સરકારે પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD), કેરોસીન અને લાઇટ ડીઝલ તેલ (LDO) પર 5 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલિયમ ડ્યૂટી લાદવામાં આવી છે. તેના કારણે પેટ્રોલની કિંમતમાં 14.85 રૂપિયા, HSDમાં 13.23 રૂપિયા, કેરોસીનમાં 18.83 રૂપિયા અને LDOમાં 18.68 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. પાકિસ્તાનમાં પેટ્રોલનો એક્સ-ડેપો હવે પ્રતિ લિટર રૂ. 248.74, હાઇ-સ્પીડ ડીઝલ (HSD) રૂ. 276.54, કેરોસીન રૂ. 230.26 અને લાઇટ ડીઝલ તેલ (LDO) રૂ. 226.15 છે.
પેટ્રોલિયમ ઉત્પાદનોમાં ચોથો વધારો
ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં સત્તા સંભાળનાર શાહબાઝ શરીફ સરકારના કાર્યકાળ દરમિયાન પેટ્રોલિયમ ઉત્પાદનોમાં આ ચોથો વધારો છે. નાણાપ્રધાન મિફતાહ ઈસ્માઈલે જણાવ્યું હતું કે, અગાઉની ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકારે કરારો પર હસ્તાક્ષર કર્યા પછી ચાર મહિના પહેલા સ્થગિત કરાયેલ IMF રાહત કાર્યક્રમને પુનઃસ્થાપિત કરવા માટે વધારો કરવામાં આવ્યો હતો.
પાકિસ્તાન IMF પાસેથી રાહત પેકેજ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે
રાહત પેકેજને ફરીથી શરૂ કરવા માટે, IMFએ વીજળીના દરમાં વધારો અને પેટ્રોલિયમ ઉત્પાદનો પર ડ્યૂટી લાદવા જેવી કડક પૂર્વ શરતો મૂકી છે. આ શરતોનો અમલ કર્યા પછી, IMF લોનના હપ્તાની મંજૂરી અને કાર્યક્રમના પુનરુત્થાન માટે પાકિસ્તાનની વિનંતી તેના એક્ઝિક્યુટિવ બોર્ડ સમક્ષ રજૂ કરશે. આ પ્રક્રિયામાં હજુ એક મહિનાનો સમય લાગી શકે છે. 22 જૂનના રોજ, પાકિસ્તાને 6 બિલિયન ડોલરના અટકેલા સહાય પેકેજને પુનઃસ્થાપિત કરવા અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્ત્રોતોમાંથી ભંડોળ મેળવવાનો માર્ગ ખોલવા માટે IMF સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા.