ડાયરેક્ટરોરેટ ઓફ જનરલ સિવિલ એવિએશન(DGCA) દ્વારા ભારતીય એરલાઈન્સ કંપનીઓને બોઈંગ વિમાનો અંગે તત્કાલ આદેશ આપવામાં આવ્યા છે. DGCAએ બોઈંગ 737 મેક્સ 8 વિમાનોની ઉડાન પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે. DGCAએ મંગળવારે મોડી સાંજે ટવિટ કરી આ જાણકારી આપી કહ્યું કે આ વિમાન ત્યાં સુધી ઉડાન ભરી ન શકે કે જ્યાં સુધી સુરક્ષા અને સલમાતી અંગે સંપૂર્ણ ખાતરી ન થઈ જાય.
DGCAએ લખ્યું કે મુસાફરોની સલામતી પ્રાથમિકતા રહી છે. સલમાતી અંગે દુનિયાભરની એવિએશન કંપનીઓ સાથે સતત સંપર્ક ચાલી રહ્યો છે. રવિવારો ઈથોપિયન એરલાઈન્સનું વિમાન અદીસ અબાબા ખાતે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું અને તેમાં 6 ગુજરાતીઓ સહિત 157 લોકો મોતને ભેટ્યા હતા.
ઈથોપિયા વિમાન દુર્ઘટના બાદ વિશ્વભરમાં બોઈંગ 737 મેક્સ વિમાનને લઈ વિવાદ ચાલી રહ્યો છે. અલગ અલગ દેશોએ કાર્યવાહી કરી છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોએ પણ બોઈંગ 737 મેક્સ વિમાનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે અમેરિકાએ બોઈંગમાં ફેરફાર કરવાના આદેશ આપ્યા છે. આ પહેલાં ચીન અને ઈન્ડોનેશિયાએ પણ બોઈંગ વિમાન પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
અત્રે નોંધનીય છે કે પાંચ મહિનામાં બોઈંગ 737 મેક્સ વિમાન બીજી વાર દુર્ધટનાગ્રસ્ત બન્યું છે. પાછલા વર્ષે ઓક્ટોબર મહિનામાં ઈન્ડોનેશિયામાં વિમાન ક્રેશ થયું હતું અને 180 કરતાં પણ વધુ લોકો માર્યા ગયા હતા.