સર્વાઈકલ કેન્સર (ગર્ભાશયનાં મુખનું કેન્સર)ના કેસો ભારતમાં વધી રહ્યા છે. લેન્સેટ ગ્લોબલ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાંથી ભારતમાં સર્વાઈકલ કેન્સરના કેસો સૌથી વધુ છે. ભારત બાદ ચીનનો નંબર આવે છે. વર્ષ 2018માં સર્વાઈકલ કેન્સરને લીધે થતાં મૃત્યુમાંથી ભારતમાં 60 હજાર મૃત્યુ થયાં છે અને સૌથી વધારે કેસો 1.60 લાખ ચીનમાં સામે આવ્યા છે. દુનિયાભરમાં વર્ષ 2018માં સર્વાઈકલ કેન્સરનાં કુલ 5.70 લાખ કેસો સામે આવ્યા છે. તેમાંથી એક તૃતીયાંશ ભારત અને ચીનમાં જ છે.
રિપોર્ટમાં 185 દેશોના આંકડા સામેલ
- આ રિપોર્ટમાં 185 દેશોને સામેલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર વર્ષ 2018માં સર્વાઈકલ કેન્સરથી કુલ 5.70 લાખ કેસોમાંથી 3.11 લાખ દર્દીઓના મોત થયાં છે.
- શહેરી વિસ્તારમાં સર્વાઈકલ કેન્સરનાં કેસોનું પ્રમાણ ઘટ્યું છે જ્યારે ગામડાંની પરિસ્થતિમાં કોઈ સુધારો આવ્યો નથી. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે સર્વાઈકલ કેન્સર મધ્યમ વર્ગની મહિલાઓમાં વધારે જોવા મળે છે.
- કેન્સર રોગોના નિષ્ણાતો અનુસાર યોગ્ય સમયે કેન્સરની જાણ થાય તો સર્વાઈકલ કેન્સરને રોકી શકાય છે. તેના માટે ભારતમાં સર્વાઈકલ કેન્સરનાં પરિક્ષણ માટે જાગૃતતા લાવવાની જરૂર છે.
- રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં મહિલાઓનાં મૃત્યુનું ચોથું કારણ સર્વાઈકલ કેન્સર છે. તેમાં પ્રથમ ક્રમાંકે બ્રેસ્ટ કેન્સર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ દુનિયાભરમાં દર મિનિટે એક મહિલા સર્વાઈકલ કેન્સરનો શિકાર બને છે.