ભારતની ઇન્ટરનેટ સેવામાં એલોન મસ્કની એન્ટ્રી, અંબાણી-મિત્તલનું ટેન્શન વધશે!
વિશ્વના સૌથી ધનિક અબજોપતિ એલોન મસ્ક આગામી દિવસોમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને સુનીલ મિત્તલની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. વાસ્તવમાં, એલોન મસ્કની આગેવાનીવાળી સ્પેસએક્સની સેટેલાઈટ બ્રોડબેન્ડ સેવા, સ્ટારલિંક ભારતમાં પ્રવેશ થવાની છે. કંપનીના એક ટોચના અધિકારીના જણાવ્યા મુજબ ,સ્ટારલિંક ડિસેમ્બર 2022 થી ભારતમાં બ્રોડબેન્ડ સેવાઓ આપવા માંગે છે.
કંપની હાલમાં ટર્મિનલ્સ માટે સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે. ભારતના સ્ટારલિંકના કન્ટ્રી ડિરેક્ટર સંજય ભાર્ગવે ઓફિસમાં પ્રથમ દિવસે લિંક્ડઇન પોસ્ટમાં જણાવ્યું હતું કે કંપનીને ભારતમાં પહેલેથી જ 5,000 પ્રી-ઓર્ડર મળી ચૂક્યા છે. અમે બ્રોડબેન્ડ સેવાઓ આપવા માટે ગ્રામીણ વિસ્તારોમાં કામ કરવા ત્યાર છીએ.
ભારતમાં સ્ટારલિંકના પ્રવેશ સાથે મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો અને સુનીલ મિત્તલની એરટેલ એક નવી સ્પર્ધાનો સામનો કરશે. સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવા દ્વારા આ કંપનીઓ વચ્ચે સ્પર્ધા થશે. દૂરના વિસ્તારોમાં અને સસ્તી યોજનાઓ સાથે ઇન્ટરનેટ ફેલાવવાની સ્પર્ધા થશે, જેનો લાભ ગ્રાહકોને મળશે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક અબજોપતિ છે. એલોન મસ્કની કુલ સંપત્તિ $ 213 અબજ છે. તે જ સમયે, મુકેશ અંબાણીની સંપત્તિ $ 96.8 અબજ છે અને તેઓ વિશ્વના 11 મા અબજોપતિ છે. સુનીલ મિત્તલની વાત કરીએ તો 12.3 અબજ ડોલરની સંપત્તિ સાથે તેઓ 177 મા નંબર પર છે.