ભારતની પુરુષ જૂનિયર હૉકી ટીમે સુલ્તાન જોહોર કપ ટૂર્નામેન્ટની સાતમી લીગમાં રવિવારે યજમાન મલેશિયાને હરાવીને બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો હતો. તમાન દાયા હૉકી સ્ટેડિયમમાં ત્રીજા સ્થાન માટે રમાયેલી આ મેચમાં ભારતે મલેશિયાને 4-0થી હાર આપી હતી. ભારતીય ટીમે પ્રારંભથી જ આ મેચ પર પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. 11મી મિનિટમાં કપ્તાન વિવેક પ્રસાદ તરફથી કરવામાં આવેલા ગોલની મદદથી ટીમે પોતાનું ખાતુ ખોલાવ્યું હતું. પહેલા ક્વાર્ટરની સમાપ્તિની અંતિમ મિનિટમાં દિલપ્રિતથી મળેલા પાસને વિશાલ અંટિલે ગોલમાં તબદીલ કરીને ભારતીય ટીમને 2-0ની સરસાઇ અપાવી હતી.
બીજા ક્વાર્ટરમાં શૈલેન્દ્ર લાકડાએ 21મી મિનિટમાં તકનો ફાયદો ઉઠાવતા ભારતીય ટીમને ત્રીજો ગોલ મળ્યો હતો. આ દરમિયાન મલેશિયાને પણ 18મી મિનિટમાં ગોલની તક મળી હતી. પરંતુ, ભારતીય ગોલકીપર સેંથામિઝ શંકરે તેની કોશિષને નિષ્ફળ કરી હતી. વિશાલે ત્યાર બાદ આગળ વધતા 25મી મિનિટમાં ભારતીય ટીમ માટે ચોથો ગોલ કર્યો હતો. ત્યાર બાદ પોતાના સારા ડિફેન્સના દમ પર ભારતે મલેશિયાને ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં ગોલ કરવાની તક આપી ન હતી, અને 4-0થી જીત હાંસલ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.