એન.આર. નારાયણ મૂર્તિ અને નંદન નિલેકણી સહિતના ઈન્ફોસિસના સ્થાપકોએ કંપનીના રૃપિયા ૧૩,૦૦૦ કરોડના બાયબેક કાર્યક્રમ હેઠળ મહત્તમ ૧.૭૭ કરોડ કંપની શેર વેચવાનો ઇરાદો જાહેર કર્યો છે. એક શેરદીઠ રૃપિયા ૧૧૫૦ ની બાયબેક કિંમતે પ્રમોટર્સ દ્વારા થયેલી ૧.૭૭ કરોડ શેરની બાયબેક ઓફરનો સ્વીકાર થશે તો પ્રમોટર્સ રૃપિયા ૨૦૩૮.૯૪ કરોડ રળી લેશે.
નિલેકણીએ પોતાના અને પોતાના પરિવારના ૫૮ લાખ શેર તેમજ નારાયણ મૂર્તિ, પત્ની સુધા અને બે બાળકોના ૫૪ લાખ શેરનો તેમાં સમાવેશ થાય છે. ગોપાલકૃષ્ણન અને તેમના પરિવારના ૨૨ લાખ તો કંપનીના સહસ્થાપક કે. દિનેશના ૨૯ લાખ શેરનો પણ તેમાં સમાવેશ થાય છે. પ્રમોટર્સ જૂથમાં મહદ અંશે સ્થાપકો અને તેમના કુટુંબીજનો સમાવેશ થાય છે. તેઓ ૨૯.૨૮ કરોડ શેર અર્થાત જૂન ૨૦૧૭ના અંતભાગે ૧૨.૭૫ ટકા ભાગીદારી ધરાવે છે.
વીતેલા બે મહિનાથી ઈન્ફોસિસ કંપનીમાં સ્થાપકો અને બોર્ડ મેમ્બર્સ વચ્ચે ગવર્નન્સ, અનિયમિતતા અને ઈન્ફોસિસ દ્વારા ઇઝરાયલની કંપની પાનાયા હસ્તગત કરાયાને મુદ્દે વિવાદ સર્જાયો હતો. તે વિવાદને પગલે ૧૮ ઓગસ્ટના રોજ કંપનીના સીઈઓ અને એમડી વિશાલ સિક્કાએ ત્રણ બોર્ડ સભ્યો અને અધ્યક્ષ આર.સેશશાયી સાથે રાજીનામું આપી દીધું હતું. તેને પગલે સહસ્થાપક નિલેકણીની નોન એક્ઝિક્યુટિવ પદે કંપનીમાં આઠ વર્ષના અંતરાલે વાપસી થઈ હતી.