બોલીવૂડના સિતારાઓ, શાનદાર સેલેબ્રિટીઝ અને હાઈ પ્રોફાઈલ મહાનુભાવોની ઝાકમઝોળ મધ્યે પ્રભાવક ૧૭મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્સના વિજેતાઓની સિદ્ધિની ઉજવણી શુક્રવાર, ૨૨ સપ્ટેમ્બરના દિવસે લંડનના પાર્ક લેનસ્થિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે કરવામાં આવી હતી. એવોર્ડવિજેતાઓમાં સમાવિષ્ટ બોલીવૂડના અભિનેતા અને દિગ્દર્શક ફરહાન અખ્તરને ઈન્ટરનેશનલ પર્સનાલિટી ઓફ ધ યર (મેલ); નાટ્યલેખિકા તાનિકા ગુપ્તા MBEને એચિવમેન્ટ ઈન મીડિયા તેમજ સુરિન્દર અરોરા- બિઝનેસ પર્સન ઓફ ધ યરના એવોર્ડ્સ એનાયત કરાયા હતા જ્યારે બ્રિટનમાં જાતિ સંબંધોમાં સુસંવાદિતામાં પ્રદાન અને સમગ્રતયા પ્રભાવક સિદ્ધિઓ બદલ લોર્ડ ઈન્દરજિત સિંહ CBEને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
બોલીવૂડની ગાયિકા, અભિનેત્રી અને મોડેલ રાગેશ્વરી તથા ઈસ્ટએન્ડર્સના પૂર્વ સ્ટાર એક્ટર નીતિન ગણાત્રા દ્વારા હોસ્ટ કરાયેલા એવોર્ડ્સ સમારંભમાં ચેરિટી પાર્ટનર અક્ષયપાત્ર માટે ૧૫૫,૦૦૦ પાઉન્ડનું ભંડોળ એકત્ર કરાયું હતું. આ ચેરિટી ભારતમાં દરરોજ શાળાઓના ૧.૬ મિલિયન વિદ્યાર્થીઓને તાજા રંધાયેલા અને પૌષ્ટિક ભોજન પૂરું પાડીને વર્ગખંડમાં ભૂખની નાબૂદી કરવા સાથે બાળશિક્ષણ ક્ષેત્રે કામગીરીની સેવા આપે છે. એવોર્ડ કાર્યક્રમમાં મીડિયા, આર્ટ અને કલ્ચરના ક્ષેત્રોમાં ભરાયેલી હરણફાળને પણ પ્રકાશમાં લવાઈ હતી.
ABPL ગ્રૂપના પ્રકાશક અને તંત્રી શ્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘ આપણી કોમ્યુનિટીમાં શ્રેષ્ઠતાને બિરદાવવા માટે એશિયન એચિવર્સ એવોર્ડ્સના વધુ એક નોંધપાત્ર વર્ષમાં તમામ એવોર્ડવિજેતાઓ તેમજ એવોર્ડ માટે નોમિનીઝને અભિનંદન પાઠવતા હું આનંદ અનુભવું છું. અમે ૧૭ વર્ષથી આ એવોર્ડ્સનું આયોજન કરી રહ્યા છીએ તે સમયગાળામાં બ્રિટનમાં સાઉથ એશિયનોની સિદ્ધિઓમાં પ્રચંડ ઉત્ક્રાંતિ જોવા મળી છે. હવે આપણી સમક્ષ દરેક ક્ષેત્રમાં એક રોલ મોડેલ-આદર્શ છે, જેઓ આગામી પેઢીઓ માટે પ્રેરણા બની રહેશે.’
અક્ષય પાત્રના CEO ભાવિની સિંહે જણાવ્યું હતું કે,‘‘અક્ષય’નો અર્થ અનંત છે અને ‘પાત્ર’ એટલે વાસણ થાય છે. આ એવું પાત્ર છે જે કદી ખાલી થતું નથી અને અમે દરરોજ લાખો બાળકોને ભોજન પીરસીએ છીએ તે અનંત બની રહે તેમ કરવાનો અમારો ઈરાદો છે.’
ઈન્ટરનેશનલ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડના વિજેતા અને અભિનેતા ફરહાન અખ્તરે જણાવ્યું હતું કે,‘ આ એવોર્ડ માટે આપનો ખૂબ ખૂબ આભાર.’ એચિવમેન્ટ ઈન મીડિયા એવોર્ડના વિજેતા તનિકા ગુપ્તા MBEએ જણાવ્યું હતું કે,‘હું આપનો ઘણો આભાર માનું છું. આ એવોર્ડ અને આ સાંજ માટે ખરેખર મહત્ત્વ એ બાબતનું છે કે મુખ્યપ્રવાહમાં પણ મારાં જેવા લેખકોની સામાન્યપણે કદર કરાતી નથી. આથી, આખરે મારી કોમ્યુનિટી તરફથી આ કદર થઈ તે ખરેખર વિલક્ષણ છે.’
ધ એશિયન એચિવર્સ એવોર્ડનો આરંભ કરાયો ત્યારથી વિવિધ ચેરિટીઝ માટે લાખો પાઉન્ડનું ભંડોળ એકત્ર કરવામાં આવે છે અને આ વર્ષના ચેરિટી પાર્ટનર તરીકે અક્ષયપાત્ર ફાઉન્ડેશનની પસંદગી કરાઈ હતી. આ ચેરિટી સંસ્થા દરરોજ સમગ્ર ભારતમાં શાળાઓના ૧.૬ મિલિયન બાળકોને તાજા રાંધેલા અને પૌષ્ટિક ભોજનની સુવિધા આપી વર્ગખંડની ભૂખની નાબૂદી અને બાળશિક્ષણના ક્ષેત્રે કામગીરી બજાવે છે. ધ એશિયન એચિવર્સ એવોર્ડ્સ એસ્યોરન્સ, ટેક્સ, ટ્રાન્ઝેક્શન અને સલાહકારી સેવાઓમાં વિશ્વમાં અગ્રણી EY ને પોતાના હેડલાઈન સ્પોન્સર તરીકે જાહેર કરતા ગૌરવ અનુભવે છે. આ સાથે, શાંતિ હોસ્પિટાલિટી અને એડવર્ડિયન હોટેલ્સ પણ એવોર્ડ્સને સ્પોન્સર કરી રહેલ છે જ્યારે મીડિયા પાર્ટનર તરીકે કલર્સ ટીવી સામેલ થયેલ છે.
એશિયન એચિવર્સ એવોર્ડ્સ ૨૦૧૭ના વિજેતાઓ
• પ્રોફેશનલ ઓફ ધ યર– ફયાઝ અફઝલ OBE
• સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર– શિવકુમાર રામાસામી
• એચિવમેન્ટ ઈન આર્ટ્સ એન્ડ કલ્ચર– અમ્રિત કૌર લોહિઆ
• એચિવમેન્ટ ઈન કોમ્યુનિટી સર્વિસ– સાબા નસીમ BEM
• યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસ– કુલબીર પસરિચા
• એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર– જિ ફરનાન્ડો MBE
• વુમન ઓફ ધ યર– જગદીપ રાય
• એચિવમેન્ટ ઈન મીડિયા– તાનિકા ગુપ્તા MBE
• બિઝનેસ પર્સન ઓફ ધ યર– સુરિન્દર અરોરા
• લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ– લોર્ડ ઈન્દરજિત સિંહ CBE
• ઈન્ટરનેશનલ બિઝનેસપર્સન ઓફ ધ યર– બિરેન સાસ્માલ
• ઈન્ટરનેશનલ પર્સનાલિટી ઓફ ધ યર– ફરહાન અખ્તર