અમદાવાદ, તા.૯ : નવી દિલ્હીના ધ વાયર નામના ન્યુઝ પોર્ટલમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ અને તેની કંપની વિશે લખાયેલા વિવાદીત અને બદનક્ષીભર્યા આર્ટિકલ અંગે જય શાહે આજે અત્રેની મેટ્રોપોલીટન કોર્ટમાં પોર્ટલના રિપોર્ટર રોહિણીસિંહ સહિત સાત આરોપીઓ વિરૂધ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરી છે. જેની સુનાવણીમાં કોર્ટે સીઆરપીસીની કલમ-૨૦૨ હેઠળ કોર્ટ ઇન્કવાયરીનો હુકમ કર્યો છે અને કેસની વધુ સુનાવણી તા.૧૧મી ઓકટોબરના રોજ મુકરર કરી છે. કોર્ટે એ દિવસે ફરિયાદપક્ષના બે સાહેદોને પણ બોલાવ્યા છે. ત્યારબાદ અદાલત દ્વારા આરોપીપક્ષ વિરૂધ્ધ સમન્સની કાર્યવાહી હાથ ધરાય તેવી શકયતા છે. જય શાહ દ્વારા જેઓની વિરૂધ્ધમાં આ બદનક્ષીની ફરિયાદ દાખલ કરાઇ છે, તેમાં રોહિણીસિંહ ઉપરાંત ન્યુઝ પોર્ટલના ફાઉન્ડીંગ એડિટર સિધ્ધાર્થ વરદરાજન, સિધ્ધાર્થ ભાટિયા, એમ.કે.વેણુ, મેનેજીંગ એડિટર મોનોબીના ગુપ્તા, પબ્લીક એડિટર પામેલા ફિલિપોઝનો સમાવેશ થાય છે. જય શાહે આઇપીસીની કલમ૫૦૦ સાથે વાંચતા ૧૦૯, ૩૪ અને ૧૨૦(બી) હેઠળ આ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદી જય શાહ દ્વારા કરાયેલી અરજીમાં સિનિયર કાઉન્સેલ એસ.વી.રાજુએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પ્રતિવાદી આરોપીપક્ષે તેમના ન્યુઝ પોર્ટલ પર ફરિયાદી અને તેમની સાથે જોડાયેલા અન્ય મહાનુભાવોની છબી ખરડાય તે પ્રકારે બિલકુલ ખોટી હકીકતો સાથેનો આર્ટિકલ પ્રસિધ્ધ કર્યો છે. એક જ વર્ષમાં કરોડો રૂપિયાના ટર્નઓવર વધી જવાની બાબતે જય શાહની કંપનીઓ અને તેમની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થ અને શંકા આર્ટિકલમાં ઉઠાવાયા હતા. એટલું જ નહી, પોર્ટલના જવાબદારો દ્વારા ફરિયાદીને મોડી રાત્રે મેઇલ અને ફોન કરી જવાબ માંગવામાં આવે છે અને જો નિયત સમયમાં જવાબ ન અપાય તો લેખ છાપી કાઢવાની ધમકી અપાઇ હતી. એટલું જ નહી, પ્રતિવાદીઓએ મૂળ આર્ટિકલ પબ્લીશ કર્યા બાદ ફરિયાદીએ તેની સામે વાંધો લેતાં અને કાનૂની કાર્યવાહી કરવાની વાત કરતાં પોર્ટલના જવાબદારોએ રાતોરાત લેખ પણ બદલી કાઢયો હતો. ફરિયાદમાં રજૂઆત કરાઇ હતી કે, ન્યુઝ પોર્ટલના આર્ટિકલમાં જય શાહની ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રા.લિ કંપની અને તેના બીઝનેસમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ અણધાર્યો ઉછાળો જોવા મળ્યો હોવાની અને કંપનીનું ટર્ન ઓવર એક જ વર્ષમાં રૂ.૫૦ હજારથી રૂ.૮૦ કરોડ સુધી પહોંચ્યુ હોવાની હકીકતો પ્રગટ કરવામાં આવી હતી. આરોપીપક્ષ દ્વારા ફરિયાદપક્ષનો જવાબ પૂરો છાપવાને બદલે અધૂરી અને ગેરમાર્ગે દોરતી હકીકતો લેખમાં પ્રગટ કરી અરજદારની બદનામી કરી છે અને સમાજમાં તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. આ સંજોગોમાં આરોપીઓ વિરૂધ્ધ સંબંધિત કલમો હેઠળ ટ્રાયલ ચલાવી સખત નશ્યત કરવામાં આવે અને સીઆરપીસીની કલમ-૩૫૭ હેઠળ યોગ્ય હુકમ કરવામાં આવે એવી અદાલત સમક્ષ દાદ માંગવામાં આવી હતી. આ રજૂઆત ધ્યાને લઇ કોર્ટે ઉપરમુજબ હુકમ કર્યો હતો.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.