ભાવનગરમાં આજે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી પત્રક ભરવા માટે અમિત શાહ સાથે પહેલા મીનિ રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો જોડાયા હતા. ત્યારબાદ શાહની સભા યોજાઈ હતી. ત્યારબાદ વિજય મુહૂર્તમાં ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવાર તરીકે જીતુ વાઘાણીએ ફોર્મ ભર્યું હતું.
જમીનને લઈને કારડિયા રાજપૂતો સાથે થયેલા વિવાદમાં આખરે મંગળવારે સમાધાન થયું છે. જીતુ વાઘાણી ફોર્મ ભરવા જાય તે પહેલા આ મામલે સમાધાન થયું હતું. વાતચીતને અંત દાનસિંહ મોરીએ ભાજપને સમર્થન જાહેર કર્યુ હતું।
ભાવનગરની 7 વિધાનસભા બેઠક માટે ઉમેદવારી માટે આજે 21મીએ અંતિમ દિવસ છે ત્યારે ગઈકાલથી ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો અને ભાવનગર પૂર્વ અને મહુવામાં ભાજપના ઉમેદવારો જ્યારે પાલિતાણામાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. વિધાનસભા ચૂંટણી માટે આજે સાત બેઠકો પરથી 25 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. જેમાં મુખ્યત્વે મહુવામાંથી ભાજપના રાઘવભાઈ ચોંડાભાઈ મકવાણા, વીપીપીના પરમાર છગનભાઈ બચુભાઈ, ગારીયાધારમાં ગુજરાત જનચેતના પાર્ટીના મનુભાઈ પરશોત્તમભાઈ ચાવડા, પાલિતાણામાંથી કોંગ્રેસના પ્રવિણભાઈ રાઠોડ, નાનુભાઈ ડાંખરાએ અપક્ષમાંથી ભાવનગર પૂર્વમાં વિભાવરીબેન દવે અને ભાવનગર પશ્ચિમમાંથી વી.પી.પી.ના ધરમશીભાઈ ઢાપા સહિતનાએ ઉમેદવારી પત્રો ભર્યાં છે. આજે અંતિમ દિવસ હોવાથી ફોર્મ ભરવામાં ભારે ધસારો રહેશે.