ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ખોડલધામ મંદિરના ટ્રસ્ટી અને લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ હાલ સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ફરી રહ્યા છે. ત્યારે ગતરોજ નરેશ પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. આ તકે એક મહત્વનું નિવેદન આપતા નરેશ પટેલે કહ્યું હતું કે, ‘2022માં સમાજે શક્તિ બતાવવાની છે’. બીજીતરફ પેપરલીક કૌભાંડ અંગે પૂછવામાં આવતા તેમણે કોઈની ઉપર આરોપ લાગવવાને બદલે દુઃખદ ગણાવ્યું હતું.
નરેશ પટેલનાં જણાવ્યા મુજબ, રાજ્યના વધુમાં વધુ પાટીદાર યુવાનોને સરકારી નોકરી મળે એવા પ્રયાસ ખોડલધામ એ કર્યા છે. 2017માં 27 પીએસઆઈ ખોડલધામ સમાજે તૈયાર કર્યા છે. સરદાર વલ્લભ ભાઈ પટેલે કહ્યું છે કે ઘરની વાત ઘરમાં જ રાખજો. 2022માં સમાજે પોતાની શક્તિ બતાવવાની છે. તો પેપર લીકની ઘટનાને દુઃખદ ગણાવી હતી. પાટીદાર આંદોલન સમયના કેસ પાછા ખેંચવાના મુદ્દે સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરી હોવાનું જણાવતા ત્રણેક મહિનામાં કેસો પરત ખેંચાઈ જવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ખોડલધામ સંસ્થા નથી એક વિચાર છે. યુવાનોને નિવેદન છે કે આ સંગઠનની જ્યોતને મજબૂતથી પકડી રાખજો. વિનંતી કરું છું કે ધંધા -રોજગાર બંધ રાખવા પડે તો પણ એક દિવસ માતાના પાટોત્સવમાં આવો. 21 મી સદીમાં લેઉવા પટેલ માટે ખોડલધામનું ખૂબ મોટું સ્થાન છે. આપણે અંદર અંદર ઝઘડાના નિરાકરણ માટે સમાધાન પંચ ચાલુ કર્યું હતું. જેના માધ્યમથી હાલ 2 હજારથી વધુ મામલાઓના સમાધાન થયા છે. સમાજના ઉત્તરોત્તર વિકાસ માટે રાજકોટ નજીક અમરેલી ખાતે સરકાર પાસેથી 50 એકર જમીન ખરીદી છે, જ્યાં શિક્ષણ અને આરોગ્ય માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ખોડલધામમાં પાટોત્સવની ઉજવણીનું આમંત્રણ આપવા ખોડલધામ મંદિરના ટ્રસ્ટી અને લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ સમગ્ર રાજ્યમાં ફરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે વિશ્વ ઝઝૂમતું હતું, એ સમયમાં ખોડલધામ સમિતિએ કોરોના યોદ્ધા તરીકે કામ કર્યું છે. ખોડલધામ જેટલું મારું છે એટલું જ તમારું છે. પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે પંચવર્ષીય પાટોત્સવ યોજાશે, જેમાં એકતાની શક્તિ બતાવવાની છે.