શું તમે તમારા 3 મહિનાથી 18 મહિનાના બાળકને રડતું જોઇને તરત તેની પાસે પહોંચી જાવ છો કે તેને થોડી વાર રડવા દો છો? જો તમે તરત પહોંચી જતા હોવ તો તેનાથી બાળકના વિકાસ પર અસર થઇ શકે છે. આ ખુલાસો બ્રિટનની ‘વોર્વિક યુનિવર્સિટી’ના વૈજ્ઞાનિકોના તાજેતરના રિસર્ચમાં થયો છે. રિસર્ચમાં જણાવ્યા મુજબ, નવજાતથી માંડીને દોઢ વર્ષ સુધીનાં બાળકોને થોડી વાર રડવા દેવામાં આવે તો તેમની શારીરિક-માનસિક ક્ષમતા મજબૂત થાય છે અને તેઓ ધીમે-ધીમે સ્વયંશિસ્ત પણ શીખી જાય છે. જોકે, બાળક રડતું હોય ત્યારે તેના પર નજર જરૂર રાખવી જોઇએ. બાળકના રડવાની રીત, વર્તન અને તે દરમિયાન માતા-પિતાની પ્રતિક્રિયાના અભ્યાસ માટે સંશોધકોએ 3 મહિનાથી દોઢ વર્ષ સુધીનાં 7 હજારથી વધુ બાળકો અને તેમની માતાનો અભ્યાસ કર્યો. થોડા-થોડા સમયના અંતર બાદ તેમનું સતત મૂલ્યાંકન કરાયું કે બાળક રડે ત્યારે માતા-પિતા તરત દોડી જાય છે કે તેને થોડી વાર રડવા દે છે? આ પ્રયોગનું દર 3, 6 અને 18 મહિને મૂલ્યાંકન કરવામાં આવ્યું.
એ પણ જોવામાં આવ્યું કે રડતી વખતે માતા-પિતાથી અલગતા અને ફરી ભેગા થતી વખતે બાળકોના વર્તનમાં કેટલો તફાવત જણાયો? અભ્યાસનાં પરિણામોથી પરથી જાણવા મળ્યું કે, જે બાળકોનાં માતા-પિતા તરત દોડી જતાં હતાં તેમનો વિકાસ ધીમો રહ્યો જ્યારે જે બાળકોને થોડી વાર રડવા દેવાયાં તેમની શારીરિક અને માનસિક ક્ષમતા વિકસિત જોવા મળી. તેઓ અન્ય બાળકોથી ઘણા ચંચળ અને સક્રિય પણ જોવા મળ્યા હતા.