આર્જેન્ટીના અને બાર્સિલોનાના સ્ટાર ફૂટબોલર લિયોનલ મેસીએ સોમવારે પોતાના પરંપરાગત હરીફ પોર્ટુગલ અને યૂવેન્ટ્સના સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને પછાડીને વિક્રમી છઠ્ઠીવાર ફીફા સર્વશ્રેષ્ઠ ફૂટબોલર ઓફ ધ યરનો એવોર્ડ જીતી લીધો હતો. આ એવોર્ડની રેસમાં મેસી અને રોનાલ્ડોની સાથે જ નેધરલેન્ડ અને લીવરપુલનો ફૂટબોલર વર્જિલ વાન ડિક પણ સામેલ હતો. આ પહેલા મેસી અને રોનાલ્ડો બંને 5-5 વાર આ એવોર્ડ જીતીને બરોબરી પર હતા, જો કે હવે મેસી રોનાલ્ડોથી એક ડગલું આગળ નીકળી ગયો છે.
મેસીની સાથે જ અમેરિકાની મેગન રેપિનોને ફીફાની વર્ષની શ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી હતી. મેગને પહેલીવાર આ એવોર્ડ જીત્યો છે. અમેરિકાને વર્લ્ડકપ જીતડવા માટે રેપિનોને આ એવોર્ડ મળ્યો છે. મેગન રેપિનોએ વર્લ્ડકપમાં કુલ 6 ગોલ કર્યા હતા, અને તેના માટે તેને ગોલ્ડન બોલ મળ્યો હતો. તે 6 ગોલ સાથે વર્લ્ડ કપમાં સર્વાધિક ગોલ કરનારી ખેલાડી બની હતી.
2007માં બ્રાઝિલેના ફૂટબોલર કાકાએ આ એવોર્ડ જીત્યો તેના પછી 10 વર્ષ સુધી તેના પર મેસી અને રોનાલ્ડોનો કબજો રહ્યો હતો. મેસી આ એવોર્ડ 2009, 2010, 2011, 2012 અને 2015માં જીતી ચુક્યો હતો. જ્યારે રોનાલ્ડો 2008, 2013, 2014, 2016, 2017માં આ એવોર્ડ જીતી ચુક્યો છે. ગત વર્ષે ક્રોએશિયાના લુકા મોદરિચે આ એવોર્ડ જીતીને છેલ્લા 10 વર્ષથી તેના પર ચાલી આવતા મેસી અને રોનાલ્ડોના એકહથ્થુ શાસનનો અંત આણ્યો હતો. તેની સાથે જ રસપ્રદ વાત એ રહી છે કે ગત વર્ષે ફૂટબોલર ઓફ ધ યર મોદરીચ આ વખતે ટોપ થ્રીમાં પણ સ્થાન મેળવી શક્યો નથી. મેસી અને રોનાલ્ડો સાથે રેસમાં રહેલા વાન ડિકે ગત મહિને જ આ બંનેને પછાડીને યૂએફાના વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ જીત્યો હતો. તે આ એવોર્ડ જીતનાર પહેલો ડિફેન્ડર બન્યો હતો.
લિવરપુલના બોસ જુર્ગેન ક્લોપને ફીફાના સર્વશ્રેષ્ઠ કોચનો એવોર્ડ મળ્યો હતો. ક્લોપના માર્ગદર્શનમાં લિવરપુલે ટોટોનહામને 2-0થી હરાવીને 15 વર્ષ પછી ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીત્યું હતું. ક્લોપે માન્ચેસ્ટર સિટીના પેપ ગાર્ડિયોલા અને ટોટેનહામના મોરેસિયોને પછાડીને આ એવોર્ડ જીત્યો હતો. આ સિવાય અમેરિકન મહિલા ટીમના કોચ જિલ એલિસને સર્વશ્રેષ્ઠ મહિલા કોચનો એવોર્ડ એનાયત કરાયો હતો. જિલ એલિસેરીના વી ઇંગ્લેન્ડની ફિલ નેવિલ અને નેધરલેન્ડની કોચ સરીના વીગમેનને પછાડીને આ એવોર્ડ જીત્યો હતો.
લાીવરપુલના એલિસને સર્વશ્રેષ્ઠ મેન્સ ગોલકિપરનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે સર્વશ્રેષ્ઠ મહિલા ગોલકિપરનો એવોર્ડ એટલેટિકો મેડ્રિડની વેન વીનેડાલે જીત્યો હતો. એલિસને માન્ચેસ્ટર સિટીના એન્ડરસન અને બાર્સિલોનાના માર્ક આન્દ્રે ટેરને પછાડીને શ્રેષ્ઠ ગોલકિપરનો એવોર્ડ જીત્યો હતો. જ્યારે મહિલાઓમાં વેન વીનેડાલે ચિલીની ક્રિસ્ટિયન એન્ડલર અને સ્વીડનની હેડવિગ લિન્ડહલને પાછળ મુકીને સર્વશ્રેષ્ઠ મહિલા ગોલકીપર બની હતી.