મુંબઇથી અમદાવાદ આવતી કેટલીક ટ્રેનોની અંદર દારૂની ખુલ્લેઆમ હેરાફેરી કરાઈ રહી છે. મુંબઇથી ભુજ આવતી કચ્છ એકસપ્રેસમાં પણ એ પરિવાર સાથે દારૂની બોટલોની હેરાફેરી
કરી રહ્યો હોવાની વિગતો પોલીસને મળી હતી જેને પગલે રેલવે પોલીસે દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે આ ટ્રેનના એક કોચમાં જઇ પરિવારને ઝડપી પાડ્યો હતો.
અસલી વાત એ છે કે આ પરિવારના નાના ભૂલકાઓના શરીર પર એક બેલ્ટ બંધાવ્યો હતો. આ બેલ્ટની આસપાસ રાઉન્ડમાં વિદેશી દારૂની બોટલો ગોઠવેલી હતી. દારૂની બોટલો સાથેનો આ પટ્ટો બાળકને પહેરાવી દીધા બાદ બાળકને ઉપર શર્ટ પહેરાવી દેવાયો હતો જેથી કોઈને પણ ખબર ન પડે. પરંતુ બાતમીને આધારે પોલીસે બાળકનો શર્ટ ઉતરાવ્યો હતો જેથી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.
પરિવારની મહિલાઓએ પણ પોતાના શરીર પર વિદેશી દારૂની બોટલો બાંધી હતી. પગમા તેમ જ કમરના ભાગે દારૂની બોટલ ભરેલા પટ્ટા પહેર્યા હતા. પોલીસે પરિવારના આઠ સભ્યો પાસેથી દારૂની બોટલો રેલવે સ્ટેશન પર જ એક ચાદરમાં ભેગી કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી બાજુ પોલીસની આ કાર્યવાહી જોવા માટે મુસાફરો ભેગા થઇ ગયા હતા તેમજ તેનું વિડીયો શુટીંગ પણ કરી લીધું હતું. રેલવે પોલીસની ઈચ્છા દારૂ કબજે કર્યા બાદ આ પરિવારને છોડી મૂકવાની હતી પરંતુ મુસાફરોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા પોલીસને ગુનો અને ફરજ પડી હતી.
દરમિયાનમાં આજે સવારથી જ દારૂના બેલ્ટ સાથે પકડાયેલા આ પરિવારનો વિડીયો ક્લિપિંગ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.