આણંદ જિલ્લા પોલીસ વડાની કચેરીના કંપાઉન્ડના પાછળના ભાગે પોલીસ મથકોમાં જમા લેવાયેલા કે ડીટેઇન કરેલા વાહનો મૂકવામાં આવ્યા હતા. લગભગ ૨૦૦ વાહનો અહીંયા મૂકેલા છે. પાછલી સાઇડમાં પાનખરને પગલે પાનના ઢગલા થયા હતા. જે એકત્ર કરી તેને સળગાવાયા હતા. જેમાંથી આગનો તણખો કોઇપણ રીતે વાહનમાં ગયો હતો અને લગભગ ચાર વાગ્યાના સુમારે અચાનક વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી.
લોકો આ વસ્તુ જાણે અને આગ ઓલવવાનો પ્રયાસ કરે ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું. ત્યાં મૂકેલ ૧૩ જેટલાં બાઇકો અને ૪ જેટલી ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી.
આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરતાં ચીફ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની આગેવાની હેઠળ મોહનભાઇ વાળંદ, મહેન્દ્રસિંહ રાઠોડ, હરદીપસિંહ મહીડા, મફતભાઇ, ભૌતિકભાઇ, મયંકભાઇ, રઘુવીરભાઇ તરત જ ફાયરફાયટર લઇ સ્થળ પર દોડી ગયા હતા. પરંતુ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે આવે ત્યાં સુધી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ આગ ૧૭ વાહનોમાં પ્રસરી ગઇ હતી. જેને ફાયરબ્રિગેડની ટીમે લગભગ ૪૫ મિનીટ સુધી પાણીનો મારો ચલાવી આગને બૂઝાવી દીધી હતી. આ આગને કારણે એક મારુતિકાર, એક ઇન્ડીકા અને બે ટાટાસુમો બળી ગઇ હતી. આ ઉપરાંત 13 બાઇક પણ આગની લપેટમાં આવી ગયા હતા. આ તમામ વાહનો ભંગારમાં ફેરવાઇ ગયા હતા.