નવી દિલ્હીઃ એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ રાંધણ ગેસના બોટલના ભાવમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. માર્ચ મહિનાના પહેલા જ દિવસે એલપીજી ગેસ સિલિન્ડરમાં 25 રૂપિયાનો વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં ગેસ સિલિન્ડર ઉપર થયેલા ભાવ વધારાની વાત કરીએ તો 4 ફેબ્રુઆરીએ 25 રૂપિયા, 14 ફેબ્રુઆરીએ 50 રૂપિયાની વૃદ્ધિ થઈ હતી. તે જ સમયે 25 ફેબ્રુઆરીએ તેમાં 25 રૂપિયાનો વધારો થયો હતો. ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવમાં રૂ .100નો વધારો થયો છે.
ફરી એકવાર, 14.2 કિલો નોન સબસિડી વગરનો એલપીજી ગેસ સિલિન્ડર 25 રૂપિયા મોંઘો થઈ ગયો છે. ભાવમાં વધારા સાથે દિલ્હીમાં ઘરેલું ગેસનો દર હવે 794 થી વધીને 819 રૂપિયા થયો છે. નવી કિંમત મુંબઈમાં 819 રૂપિયા, કોલકાતામાં 845.50 રૂપિયા અને ચેન્નઈમાં 835 રૂપિયા કરવામાં આવી છે. જાન્યુઆરી મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસના ભાવમાં વધારામાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જો કે, તે પહેલાં ડિસેમ્બર મહિનામાં બે વખત 50-50 રૂપિયાનો વધારો થયો હતો. ફેબ્રુઆરી મહિનામાં ત્રણ જુદા જુદા પ્રસંગોએ ભાવમાં વધારો થયો હતો. કુલ વધારો રૂ .100 હતો.
19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 90.50 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. હવે દિલ્લીમાં આ સિલિન્ડરની કીંમત 1614 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કીંમત 1523.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. તેની રીતે મુંબઈનો રેટ હવે 1563.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. કોલક્તામાં આ કીંમત 1681.50 રૂપિયા અને ચેન્નઈનો ભાવ 1730.5 રૂપિયા થઈ ગયો છે.
રસોઈ ગેસ સિલિન્ડરની કીંમત ચેક કરવા માટે તમારે સરકારી તેલ કંપનીની વેબસાઈટ પર જવુ પડશે. જયાં કંપનીઓ દર મહિને નવા ભાવ જારી કરે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરનો ભાવ ચેક કરી શકો છો.
સરકારે આગામી બે વર્ષમાં એક કરોડથી વધુ મફત એલપીજી કનેક્શનો આપવાની અને લોકોને એલપીજીની સરળ સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજના તૈયાર કરી છે. દેશના 100 ટકા લોકોને સ્વચ્છ બળતણ પહોંચાડવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે આ યોજના ઘડી છે.
પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરે કહ્યું કે ઓછામાં ઓછા ઓળખ દસ્તાવેજો સાથે અને સ્થાનિક નિવાસ પુરાવા વિના જોડાણો આપવાની યોજના તૈયાર છે. આ ઉપરાંત, ગ્રાહકોને ટૂંક સમયમાં ફક્ત એક જ ડિસ્ટ્રિબ્યુટર સાથે બાંધવાને બદલે તેમના પાડોશમાં ત્રણ ડીલરો પાસેથી રિફિલ સિલિન્ડર મેળવવાનો વિકલ્પ મળશે.