નવી દિલ્હી: પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યુ છે કે, નોટબંધી એક બીનજરૂરી રોમાંચ હતો. તેમણે જણાવ્યુ છે કે આવા પગલાને કેટલાક લેટીન અમેરિકી અને આફ્રિકન દેશોને બાદ કરતા દુનિયામાં કયાંય સફળતા મળી નથી. તેમણે હાલમાં જ કહ્યુ હતુ કે, જીએસટી અને નોટબંધીના ઉતાવળે અમલથી આર્થિક પ્રગતિ પર નકારાત્મક અસર પડશે. મહાલીમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા પુર્વ વડાપ્રધાને કહ્યુ હતુ કે, મને નથી લાગતુ કે, આર્થિક અને ટેકનીકલ રીતે આ રોમાંચની જરૂર હતી. જો સિસ્ટમમાંથી ૮૬ ટકા કરન્સી કાઢી નાખો તો ઘટાડો થાય જ.
મનમોહનસિંહે એ બાબત પણ દોહરાવી હતી કે અર્થવ્યવસ્થાની રફતાર નોટબંધીને કારણે ધીમી થઇ છે અને તેમાં જીએસટીને લાગુ કરવામાં આવી રહેલી મુશ્કેલીઓનું પણ યોગદાન છે. અત્રે એ નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષના જુનામાં સમાપ્ત થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપીનો દર ઘટયો છે અને વર્ષ-ર૦૧૬-૧૭ના ચોથા ત્રિમાસિક ગાળામાં દર ૬.૧ ટકાથી ઘટીને પ.૭ ટકા આવી ગયો છે. મનમોહનસિંહે ગયા વર્ષે સંસદમાં કહ્યુ હતુ કે, જીડીપીમાં બે ટકાનો ઘટાડો થશે. તેમણે કહ્યુ હતુ કે, નોટબંધી એક ઐતિહાસિક આફત, સંગઠીત, કાનૂની લુંટ છે.
મનમોહનસિંહે જણાવ્યુ હતુ કે, આપણે આપણા વિકાસના મુદાને ઉકેલવા માટે ૭ થી ૮ ટકાના દરથી પ્રગતિ કરવી પડશે. ગયા મહિને રિઝર્વ બેંકના પુર્વ ગવર્નર રઘુરામ રાજને અનુમાન મુકયુ હતુ કે, નોટબંધીને કારણે દેશના જીડીપીમાં ૧ થી ર ટકાનો ઘટાડો આવ્યો છે જે લગભગ ર લાખ કરોડ રૂપિયાની બરાબર છે. મોદી સરકાર ઉપર પ્રહાર કરતા પુર્વ વડાપ્રધાને કહ્યુ હતુ કે, અસહમતીના સન્માન અને કાનૂનનું શાસન લોકતાંત્રિક રાજવ્યવસ્થાનો આંતરીક હિસ્સો છે.
તેમણે થોડા દિવસ પહેલા જ કહ્યુ હતુ કે, નોટબંધી અને જીએસટી અનૌપચારિક, લઘુ ક્ષેત્ર પર અસર પાડશે. આ બંને જ જીડીપીના ઘટાડા માટે જવાબદાર છે. આપણા ૯૦ ટકા રોજગાર અનૌપચારિક સેકટરમાં છે અને ૮૬ ટકા કરન્સી પાછી લેવી સાથમાં ઉતાવળે જીએસટી એ બધુ મળી જીડીપી વૃધ્ધિ પર ખરાબ અસર પાડશે. તેમણે કહ્યુ હતુ કે, નોટબંધીની કોઇ જરૂર જ ન હતી.