નવી દિલ્હી. અદાણી ગ્રૂપની અનેક કંપનીઓ સેબીની ચકાસણી હેઠળ છે. આજે ચોમાસુ સત્રના પહેલા દિવસે સરકારે ગૃહમાં આ માહિતી આપી છે. 19 જુલાઇના રોજ ગૃહમાં એક લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપની અનેક કંપનીઓની તપાસ સેબી અને સરકારના મહેસૂલ ગુપ્તચર (ડીઆરઆઈ) દ્વારા કરવામાં આવી રહી છે. આ સમાચાર પછી, અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઘટાડાની નવી સપાટી સર્જાઇ છે.
ચૌધરીએ કહ્યું, “સેબી અદાણી ગ્રૂપની અનેક કંપનીઓની તપાસ કરી રહી છે. કંપનીઓને સેબીના ધારાધોરણોનો ભંગ થવાની શંકા છે. આ સિવાય ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) પણ આ કંપનીઓની તપાસ કરી રહી છે.” જો કે, ચૌધરીએ એમ પણ કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) આ કંપનીઓની તપાસ કરી રહ્યું નથી.
સ્ટોક માર્કેટમાં અદાણી ગ્રૂપની 5 કંપનીઓ સૂચિબદ્ધ છે. નાણાં મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે સેબી દ્વારા ત્રણ વિદેશી પોર્ટફોલિયો ભંડોળ અલબુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રિસ્ટા ફંડ લિમિટેડ અને એપીએમએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડના ખાતાઓ સ્થિર કરવામાં આવ્યા હતા. આ સમાચાર અગાઉ પણ આવ્યા હતા પરંતુ એનએસડીએલ દ્વારા આ સ્પષ્ટતા રજૂ કરવામાં આવી હતી કે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા ન હતા.