રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. સોમવારે સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથ પર કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવાવનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ અધ્યક્ષ બનાવવાની પ્રક્રિયાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી માટે 1 ડિસેમ્બરના રોજ નોટિફેકશન જાહેર કરવામાં આવશે. આ માટે 4 ડિસેમ્બરના રોજ નોમિનેશન થશે. 11 ડિસેમ્બર સુધી નોમિનેશન ફોર્મ પાછું લઈ શકાશે અને 16 ડિસેમ્બરના રોજ મતદાન થશે. 19 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે અને આ જ દિવસે અધ્યક્ષનું નામ જાહેર થશે. જો રાહુલ સિવાય અન્ય કોઈ સભ્ય નોમિનેશન ફાઈલ નહીં કરે તો 11મી ડિસેમ્બરના રોજ તેમને અધ્યક્ષ જાહેર કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 14 ડિસેમ્બરના રોજ બીજા ચરણનું મતદાન છે. જો રાહુલ ગાંધી 11 તારીખે અધ્યક્ષ તરીકે ચૂંટાશે તો પાર્ટીને ગુજરાત ચૂંટણીમાં તેનો લાભ મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, રાહુલ ગાંધીને સર્વસંમતિથી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવશે. અન્ય કોઈ સભ્ય ઉમેદવારી દાખલ કરે તેની શક્યતાઓ ઘણી ઓછી છે.