ભારતીય રિઝર્વ બેંક સમયાંતરે આકરા નિર્ણયો લેતી રહે છે. તે જ સમયે, આરબીઆઈ અન્ય બેંકો સામે પ્રતિબંધો અથવા દંડ લાદતી પણ જોવા મળી છે. હવે RBIએ ફરી કડક પગલું ભરતા ચાર બેંકો પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે ગ્રાહકોને પણ મોટો ઝટકો લાગ્યો છે. હવે બેંક સાથે જોડાયેલા ગ્રાહકો પણ RBI દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદા અનુસાર પૈસા ઉપાડી શકશે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચાર સહકારી બેંકો પર નિયંત્રણો લાદ્યા છે. આમાં ગ્રાહકોના તેમના બેંક ખાતામાંથી ઉપાડ પર મર્યાદા લાદવાનો સમાવેશ થાય છે. આ બેંકોની કથળતી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, સાઈબાબા જનતા સહકારી બેંક, ધ સૂરી ફ્રેન્ડ્સ યુનિયન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ, સુરી (પશ્ચિમ બંગાળ) અને બહરાઈચની નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
આદેશ અનુસાર, સાંઈબાબા જનતા સહકારી બેંકના થાપણદારો 20,000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. જ્યારે સૂરી ફ્રેન્ડ્સ યુનિયન કો-ઓપરેટિવ બેંક માટે આ મર્યાદા 50,000 રૂપિયા છે. તેવી જ રીતે, નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંકના કિસ્સામાં, ઉપાડની મર્યાદા પ્રતિ ગ્રાહક 10,000 રૂપિયા કરવામાં આવી છે. આરબીઆઈએ બિજનૌર સ્થિત યુનાઈટેડ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર ઘણા પ્રતિબંધો સહિત ગ્રાહકો દ્વારા નાણાં ઉપાડવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
કેન્દ્રીય બેંક દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ ચાર સહકારી બેંકોને આ સૂચનાઓ જારી કરવામાં આવી છે, જે છ મહિના સુધી અમલમાં રહેશે. અન્ય એક નિવેદનમાં, રિઝર્વ બેંકે કહ્યું કે તેણે ‘છેતરપિંડી’ સંબંધિત કેટલાક નિયમોના ઉલ્લંઘન માટે સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક પર રૂ. 57.75 લાખનો દંડ લાદ્યો છે.