મિત્રો, વાલીઓ આજકાલ ખૂબ જ સામાન્ય રીતે એવું કહેતાં જોવામાં આવે છે કે આજનાં છોકરાઓ કોઈની વાત સાંભળતા જ નથી. તેઓ પોતાની દુનિયામાં જ હોય છે.
આપને પણ વાંચતી વખતે એમ જ લાગતું હશે ને, કે હા, ભઇસાબ, સાવ સાચી વાત. શું કરવું આ
તો આવો, પહેલાં તો આપણે આપણી જાતને પૂછીએ કે, છોકરાંઓ નથી સાંભળતા તો પછી,
– શું આપણે એમને સાંભળીએ છીએ ખરા?
– શું આપણે એમને વ્યક્ત થવા દઇએ છીએ ખરા?
તમે કહેશો, શું વાત કરો છો તમેય યાર. આપણે તો એમને સાંભળીએ જ છીએ ને! ખેર, જવા દો, પણ મારે આ તબક્કે તમને એક સવાલ એ કરવો છે કે તમે મને એ કહેશો કે તમે તમારાં બાળક સાથે છેલ્લે ક્યારે વાત કરેલી? જો કે, હા, મને આપનો જવાબ પણ ખબર જ છે કે,
“શું વાત કરો છો હમણાં કલાક પહેલાં જ મેં એને ફોન કરેલો.
આજે સવારે જ ઓફિસે આવતાં પહેલાં એની સાથે વાત થયેલી મારી.
‘તમે કહો છો એવું કાંઇ નથી, અમે વાત કરીએ છીએ અને એ પણ નિયમિત.’
હા, મને પણ ખબર જ છે કે તમે સાચું કહો છો, વાત તો કરી જ હશે, પણ મિત્રો, એ વાતો કંઈક આવી તો નહોતી ને?
“અરે, સાંભળ, તું કાલે કહેતો હતો ને કે તારે ગયા અઠવાડિયે ક્લાસ ટેસ્ટ હતી. તો પછી એનું રિઝલ્ટ ક્યારે આવશે?’
‘તું કહેતી જજે હો કે સાંજે તારે શું જમવું છે?
‘સાંભળ તો, હું તને શું કહેતો હતો, તારા ક્લાસીસનાં ટાઈમ બદલાયા છે કે શું?
“અમે બહાર જઈને આવીએ છીએ તું ઘરની ચાવી લેતો જજે હો.’
શું આ ખાલી સૂચના, પૂછપરછ કે માહિતી મેળવવાની બાબતો નથી? આને વાત કરી તો ચોક્ક્સ કહેવાય, પણ શું આને સંવાદ કહેવાય?
લોકોનું?
સંવાદ તો એ છે કે સમય કાઢીને આપણે એની સાથે બેસીએ, કે પછી એ દૂર રહેતા હોય તો એને ફોન કરીએ કે ‘તું કેમ છે આજકાલર’
‘આજકાલ કેમ તું મ્યુઝિક નથી સાંભળતો?’
બાળક નાનું હોય તો એમ વાત કરીએ કે ચાલ જોઉં, મને કહે તો તારા બધા જ મિત્રોમાં તને સૌથી વધુ મદદ કોણ કરે છે?
“તને કઈ રમત રમવી વધુ ગમે? ઓકે, સરસ, પણ કેમ એ જ વધારે ગમે?”
જો આવી કંઇક વાત કરીશું તો આપણને જે જવાબ મળશે એ આપણાં બાળકની પસંદ-નાપસંદ, સમજણ અને જે-તે બાબત માટેનાં એમનાં વિચારો સ્પષ્ટ કરશે. સંવાદ કરવાથી જ આપણે એમને જાણી શકીશું, એમના આનંદ અને પ્રશ્નોનો ભાગ પણ બની શકીશું. અને આ આદતથી બાળકો એક સંધાન-જોડાણ અનુભવે છે, બાળકોનાં મનમાં એક વિશ્વાસ પ્રસ્થાપિત થાય છે કે મને મારા પેરેન્ટસ સાંભળે છે. હું એમની સાથે મારી વાત કરી શકું છું.
અનન્હે એટલે જ સંવાદ એ શરૂઆત બની રહે છે એક વિશ્વાસની. આજનાં ટેક્નોલોજી યુગમાં વધતાં જતાં સ્ટ્રેસ વચ્ચે જ્યારે પોતાની પડી રહેલી મુશ્કેલી કે તણાવને બાળકો વાલી સાથે વહેંચી શકે તો વાલી તેને યોગ્ય માર્ગદર્શન તો આપે જ, પણ સાથે-સાથે કોઈપણ ઉતાવળિયું પગલું ભરતાં પણ રોકી શકે.
તો, આવો સમજીએ કે આ સંવાદનો જે સેતુ છે, તે વાલી અને બાળકોની વચ્ચે સમજ અને વિશ્વાસની મજબૂત કડી બની રહે છે, જે બંનેને એક્મેક સાથે જકડી રાખે છે. જ્યાં સંવાદ છે ત્યાં સારી પળોની આપ-લે ઉત્સવ બની જાય છે અને નબળી પળોનો બોજ વહેંચાઇને હલકો થઇ જાય છે.
પણ હા, એટલું ચોક્ક્સ યાદ રાખીએ કે આ સેતુનું નિર્માણ આપણે એટલે વાલીએ જ કરવાનું છે. અને હવેથી નક્કી કરીએ કે એવું ક્યારેય નહીં કહીએ કે અમારાં બાળકો અમને સાંભળતા નથી પણ દૃઢ નિર્ધાર કરીએ કે આપણે એમને વ્યક્ત થવા દઇશું, સાંભળીશું અને આપણાં સારા મિત્રો બનાવીશું.
લેખક : ડો. ધવલ બી. સોલંકી