ડોકલામ, ભ્રષ્ટાચાર અને કાશ્મીર મુદ્દે મોદી સરકારની નીતિની કરી પ્રશંસા રોહિંગ્યાને હિંસક ગણાવ્યા
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે આજે નાગપુરમાં દશેરા રેલીને સંબોધિત કરી. આ અવસરે તેમણે કાશ્મીર ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડ અને મ્યાન્મારની રોહિંગ્યા શરણાર્થીની સમસ્યાનો ઉલ્લેખ કર્યો. ડોકા લામાં ભારતની રણનીતિ અને ધૈર્યના પણ સંઘ પ્રમુખે પોતાના ભાષણમાં વખાણ કર્યાં. આ દરમિયાન મોહન ભાગવતે મોદી સરકાર દ્વારા ભ્રષ્ટાચાર પર લેવાયેલા પગલાંને પણ બિરદાવ્યાં. રોહિંગ્યાં મુદ્દે બોલતા તેમણે કહ્યું કે રોહિંગ્યા પોતાના જ દેશ માટે ખતરો છે, તો આપણા દેશમાં ખતરાની ચિંતા કેમ ન કરવી જોઈએ. તેમણે સવાલ કર્યો કે રોહિંગ્યા અહીં કેમ છે? તેમણે કેમ પોતાનો જ દેશ છોડવો પડયો? મ્યાન્મારે રોહિંગ્યા પર કડક પગલું લીધુ છે. જો તેમને ક્યાંય પણ શરણ આપવામાં આવશે, પછી ભલે તે માનવતાના આધારે કેમ ન હોય તો તે સુરક્ષા મુદ્દે સારૃ નહીં થાય. તેમણે કહ્યું કે રોહિંગ્યાઓને જો ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે તો તેઓ દેશ માટે ખતરો બની જશે.
નાગપુર હેડક્વાર્ટરમાં શસ્ત્રપૂજા બાદ લોકોને સંબોધિત કરતા તેમણે કેન્દ્રની મોદી સરકારના ખૂબ વખાણ કર્યાં. તેમણે કહ્યું કે આતંકીઓને ખતમ કરવાની રણનીતિક અને સકારાત્મક અસર જોવા મળી રહી છે. જે દ્રઢતાથી આતંકીઓ અને સરહદ પાર ફાયરિંગને સરકાર જવાબ આપી રહી છે તે વખાણપાત્ર છે.
ભાગવતે કહ્યું કે હાલના મહિનાઓમાં જે રીતે કાશ્મીરમાં અલગાવવાદીઓને હેન્ડલ કરવામાં આવ્યાં છે તેની સકારાત્મક અસર જોવા મળી રહી છે. અલગાવવાદીઓના ગેરકાયદે નાણાકીય સ્ત્રોતોને ખતમ કરીને સરકારે તેમના ખોટા પ્રોપગેન્ડા અને ભડકાઉ કાર્યવાહીને નિયંત્રિત કરી છે. આરએસએસ પ્રમુખે કહ્યું કે કેરળ અને બંગાળના હાલાત બધાને ખબર છે. ત્યાં જેહાદી તાકાતો સક્રિય છે. આપણે અત્યાર સુધી બાંગ્લાદેશના શરણાર્થીઓની સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં હતાં. રોહિંગ્યાને આશ્રય આપ્યો તો રોજગાર પર ભાર અને સુરક્ષા પર સંકટ આવી પડશે. માનવતાની વાત બરાબર છે પરંતુ તેના માટે કોઈ પોતાના માનવોને સમાપ્ત કરે તે યોગ્ય નથી. તેઓ મ્યાન્મારથી અહીં કેમ આવ્યાં છે? તેઓ ત્યાં કેમ રહી શકતા નથી? તમામ જાણકારીઓ જોઈએ તો ધ્યાનમાં આવે છે કે તેમની અલગાવવાદી, હિંસક, અને અપરાધિક ગતિવિધિઓ આ માટે કારણભૂત છે. જેહાદી તાકાતો સાથે તેમના સંબંધો ત્યાં ઉજાગર થયાં. આથી તે દેશના શાસનનું વલણ પણ તેમના પ્રતિ કડક જ છે. તેમણે કહ્યું જમ્મુ અને લદ્દાખ સાથે પહેલા સોતેલો વ્યવહાર કરવામાં આવ્યો હતો. ૨-૩ મહિના પહેલા કાશ્મીરમાં સ્થિતિઓ અનિશ્ચિત હતી પરંતુ જે રીતે ત્યાં અલગાવાદીઓને હેન્ડલ કરવામાં આવ્યાં છે, પોલીસ અને સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી છે તે બિરદાવવા લાયક છે. તેમણે કહ્યું કે અલગાવવાદીઓના આર્થિક સ્ત્રોત ખતમ કરી નાખવામાં આવ્યાં છે અને પાકિસ્તાન સાથેના તેમના સંબંધો ઉજાગર થઈ ગયા છે. જેનું સકારાત્મક પરિણામ જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે કાશ્મીર પર દ્રઢતાનું સ્વાગત છે. પરંતુ લદ્દાખ, જમ્મુ સહિત સંપૂર્ણ રાજ્યમાં ભેદભાવરહિત, પારદર્શકતા અને સ્વચ્છ પ્રશાસનની જરૃરિયાત છે. કાશ્મીરી પંડિત નાગરિક અધિકારોથી વંછિત છે. અલગાવવાદીઓ પર કડકાઈ જારી રાખીને ત્યાંના નાગરિકોને આત્મીયતાનો અનુભવ કરાવવો જોઈએ. આ માટે બંધારણમાં સુધારા કરીને જૂની જોગવાઈઓ હટાવીને નવી જોગવાઈઓ બનાવવી પડે તો બનાવવી જોઈએ. ભાગવતે કહ્યું કે તમામ પ્રકારની તસ્કરી ખાસ કરીને ગાય તસ્કરી બાંગ્લાદેશની સરહદ પર ચાલે છે. ગૌરક્ષક અને ગૌરક્ષાના પ્રચાર કરનારા મુસ્લિમ પણ છે અને અન્ય સંપ્રદાયના પણ છે. ગાયની રક્ષા કરનારાઓની હત્યા પણ થઈ, જેમાં ફક્ત બજરંગ દળવાળા જ નહીં પરંતુ મુસ્લિમો પણ શહીદ થયા. જે લોકો ગૌરક્ષાની આડમાં હિંસા કરે છે તેમના પર કાયદો કડક કાર્યવાહી કરશે. ગૌરક્ષકોએ પરેશાન થવું જોઈએ નહીં અને પોતાનું કામ આગળ ધપાવવું જોઈએ. ચીન સાથે સરહદ વિવાદ પર બોલતા તેમણે કહ્યું કે ડોકા લા મુદ્દે સરકારે ગજબની કડકાઈ બતાવી છે જેના પગલે આખો મામલો શાંત થયો. જેનાથી ભારતની તાકાત જોવા મળે છે અને ઉજાગર થયું કે ભારત સશક્ત છે.