આજે વિજ્ઞાને ગમે તેટલી સિદ્ધિ હાંસિલ કરી લીધી હોય, પરંતુ દુનિયામાં એવા કેટલાય રહસ્યો આજે પણ અકબંઘ છે, જેને કોઈ ઉકેલી શક્યું નથી. વૈજ્ઞાનિકો પણ આ રહસ્યને ઉકેલવામાં પાછળ પડી ગયા છે. એક એવું જ રહસ્ય પૂર્વ કેલિફોર્નિયામાં આવેલા રણમાં છે, જેને ડેથ વેલીના નામથી ઓળખવામાં આવે છે.
કેલિફોર્નિયાના ડેથ વેલિની સંરચના અને તાપમાન ભૂ-વૈજ્ઞાનિકોને હંમેશાં આશ્વર્ચમાં નાખતું રહે છે, પરંતુ તેનાથી પણ વધારે હેરાન કરનારી વસ્તુ છે, તે છે અહીં ખસવાવાળા પથ્થર, જેને સેલિંગ સ્ટોન્સના નામથી ઓળખવામાં આવે છે. અહીંના રેસ ટ્રેક ક્ષેત્રમાં હાજર 320 કિલોગ્રામ સુધીના પથ્થર આપોઆપ ખસીને એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચી જાય છે.
આ પથ્થરનું ખસવું એ વિજ્ઞાન માટે પણ એક પ્રશ્નનો વિષય બની ગયો છે. રેસ ટ્રેક પ્લાયા 2.5 મીલ ઉત્તરથી દક્ષિણ અને 1.25 મીલ પૂર્વથી પશ્ચિમ સુધી બિલકુલ સપાટ છે, પરંતુ અહીં પડેલા પથ્થર જાતે એક જગ્યાથી બીજી જગ્યા ખસવા લાગે છે. અહીં 150થી વધુ પથ્થર આવેલા છે.
જોકે કોઈએ પોતાની આંખોથી પથ્થરને ખસતાં જોયા નથી. કહેવાય છે કે શિયાળામાં પથ્થર લગભગ 250મીટરથી પણ વધુ દૂર ખસેલા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ 1972માં આ રહસ્યનો ઉકેલ મેળવવા માટે વૈજ્ઞાનિકોની ટીમ આવી હતી. ટીમે પથ્થરોના એક ગ્રૂપનું નામકરણ કરીને તેના પર સાત વર્ષ સુધી અધ્યયન કર્યું. કેરિન નામનો લગભગ 317 કિલોગ્રામ પથ્થર અધ્યયન દરમિયાન જરા પણ ખસ્યો નહીં, પરંતુ થોડા વર્ષો પછી જ્યારે તે ટીમ ત્યાં પહોંચી તો તે પથ્થર એક કિલોમીટર દૂર જોવા મળ્યો.
કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે હવાના જોરના કારણે પથ્થર એક જગ્યાથી બીજી જગ્યા પર પહોંચી જાય છે. સંશોધન કરતાં જાણવા મળ્યું છે કે રણમાં 90 મીલ પ્રતિ કલાકની ઝડપથી હવા ફુંકાય છે, રાતના સમયે બરફ જામી જાય અને ભીની માટીના પડના કારણે પથ્થરો ગતિમાન બને છે. અલગ-અલગ જગ્યાની વૈજ્ઞાનિકોની ટીમે અલગ-અલગ શોધ કરી છે, પરંતુ હજી સુધી હકીકત શું છે, તેનું રહસ્ય શું છે, કેમ પથ્થર એક જગ્યાથી બીજી જગ્યા પર ખસે છે. તેનો ઉકેલ મેળવી શક્યા નથી.