નવી દિલ્હી તા. ૧૬ : ઈન્ડો જાપાન એન્યુઅલ સમિટ અને હાઈસ્પીડ બુલેટ ટ્રેન લોન્ચ કરવા માટે જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે અમદાવાદની મુલાકાતે આવેલા નરેન્દ્રભાઇ મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન નર્મદા જિલ્લાના કેવડિયાની મુલાકાત લેશે અને આવતીકાલે રવિવારે સરદાર સરોવર ડેમનું ઉદઘાટન કરશે. એવી ધારણા છે કે આ મુલાકાતે વડાપ્રધાન મોદી ગાંધીનગર તેમની માતા હીરાબાની પણ મુલાકાત લેશે.
એવી પણ ચર્ચા હતી કે મોદી તેમના વતન વડનગરની પણ મુલાકાત લેશે. અહીં વડનગરના રેલવે સ્ટેશનની કાયા પલટ કરવાથી માંડીને બીજા અનેક ડેવલપમેન્ટ તથા ઈન્ફ્રાસ્ટ્રકચરને લગતા પ્રોજેકટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. જો કે આ અંગે હાલ સુધી કોઈ કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી.
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ શિલાન્યાસ કર્યાના ૫૬ વર્ષ પછી૧૭મી સપ્ટેમ્બરે મોદી આ ડેમનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અગાઉ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરદાર સરોવર ડેમના ઉદઘાટનથી રાજયની ૧૮ લાખ હેકટર જમીનને નર્મદાના પાણીની સિંચાઈનો લાભ મળશે અને આ પાણી રાજયના ૯૦૦૦ જેટલા ગામમાં કેનાલ મારફતે પાણી પહોંચાડશે. રૂપાણીએ જણાવ્યું હતું, ‘આ તેમની સર્વશ્રેષ્ઠ બર્થ ડે ગિફટ છે. તેમણે આ ડેમ માટે અથાગ પ્રયત્નો કર્યા છે. આ પાણી રાજયના સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડશે.’
નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ ૧૬ જૂનના સરદાર સરોવર પ્રોજેકટના ગેટ બંધ કરવાનો ઓર્ડર આપ્યો હતો. ગેટ બંધ કર્યા પછી ડેમની હાઈટ વધારીને ૧૩૮ મીટર કરી દેવામાં આવી હતી અને તેની સ્ટોરેજ કેપસિટી વધારીને ૪.૭૩ મિલિયન કયુબિક મીટર્સ કરી દેવામાં આવી છે. હાલમાં તેની કેપેસિટી ૧.૨૭ મિલિયન કયુબિક મીટર્સ છે. અગાઉ ડેમની હાઈટ ૧૨૧.૯૨ મીટર હતી.
સરદાર સરોવર પ્રોજેકટની ખાસિયત જણાવતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેમાં જે કોન્ક્રિટ વપરાયો છે તે જોતા એ દુનિયાનો સૌથી મોટો ડેમ છે. અમેરિકાના ગ્રાન્ડ કાઉલી ડેમ પછી આ વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. ૧.૨ કિ.મી લાંબા ડેમની ઊંડાઈ ૧૬૩ મીટર છે અને અત્યાર સુધી તેમાંથી ૪૧૪૧ કરોડ યુનિટ ઈલેકિટ્રસિટી ઉત્પન્ન કરવામાં આવી છે. આ ડેમમાંથી અત્યાર સુધી રૂ. ૧૬૦૦૦ કરોડની આવક થઈ છે જે તેની પાછળ થયેલા ખર્ચ કરતા લગભગ બમણી છે. ડેમમાંથી ઉત્પન્ન થયેલી વીજળીમાંથી ૫૭ ટકા મહારાષ્ટ્રને મળે છે, ૨૭ ટકા મધ્યપ્રદેશ તથા ૧૬ ટકા ગુજરાતને મળે છે.