સુરત:રાજ્ય સરકાર દારૂ અંગે બનાવેલો કડક કાયદો પણ માત્ર કાગળ ઉપર જ રહી ગયો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સુરતના અધિકારીઓએ દમણના કુખ્યાત બુટલેગર રમેશ પટેલ ઉર્ફે માયકલને ત્યાં પડેલા દરોડોમાં તેણે છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદે રીતે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાત મોકલ્યો હોવાની બેન્ક એન્ટ્રીઓ મળી આવી છે. સુરતના ઓલપાડ વિસ્તારમાં દરોડો પાડી ઓલપાડ પોલીસે રૂપિયા 22 લાખનો દારૂ તાજેતરમાં પકડ્યો હતો. જેમાં આ દારૂ દમણના સાંઈ વાઈન શોપ, સાંઈ એન્ટર પ્રાઈઝ અને સાંઈ બારના માલિક અને બુટલેગર રમેશ પટેલ ઉર્ફે માયકલ અને તેની પત્ની ભાનુબહેન પટેલે મોકલ્યો હોવાનું બહાર આવ્યુ હતું. સુરત જિલ્લા પોલીસની તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે હમણાં સુધી માયકલ સામે 30 કરતા વધુ ગુનાઓ નોંધાયા હોવા છતાં તે કાયદાની છટકબારીનો ઉપયોગ કરી છેલ્લાં કેટલાય વર્ષોથી કરોડો રૂપિયાનો દારૂ બીન્દાસ રીતે ગુજરાત મોકલી રહ્યો છે. સુરત રેન્જના આઈજીપી ડૉ શમશેર સિંગે આ અંગે સુરત એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ સાથે મીટિંગ કરી માયકલના કારોબારનો અંત લાવવાનું નક્કી કર્યુ હતું. સુરત જિલ્લા પોલીસની માહિતીને અને ઓલપાડમાં નોંધાયેલા ગુનાના આધારે ઈડીના અધિકારીઓની એક ટીમે માયકલના દમણ સ્થિત ઓફિસ , ઘર અને ગોડાઉન ઉપર દરોડો પાંડતા તેમની આંખો દંગ રહી ગઈ હતી. જેમાં માયકલના બેન્ક એકાઉન્ટ પ્રમાણે તે છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતમાં દારૂ મોકલી એકત્ર કરેલી રકમ રૂપિયા 223.47 કરોડ બેન્કમાં જમા કરાવ્યા હતા. તપાસમાં બહાર આવ્યુ કે માયકલે માત્ર દમણમાં જ દારૂ વેંચવાનો પરવાનો મેળવ્યો હતો, પણ તે એક્સાઈઝની આંખમાં ઘુળ નાંખી ખોટા દસ્તાવેજો બનાવી ગુજરાતમાં દારૂ મોકલી આપતો હતો. ખાસ કરી દરિયા માર્ગે જતા કેન્ટેનર્સમાં દારૂ ભરી ગુજરાતમાં તે મોકલતો હતો. જો કે તે કેન્ટેઈનર્સ અન્ય સામ્રગીના હોવાના બીલ તૈયાર થતાં હતા અને તેના આધારે તે દમણ ચેકપોસ્ટ ઉપરથી પસાર થઈ ગુજરાતના વિવિધ શહેરોમાં દારૂ સપ્લાય કરતો હતો. દારૂના ગોડાઉનમાં 80 પરિવારો રહેતા હતા ઈડીના અધિકારીઓએ માયકલના દારૂના ગોડાઉનમાં દરોડો પાડ્યો ત્યારે તેમને આશ્ચર્ય હતું આ ગોડાઉનમાં કુલ 80 પરિવારો રહેતા હતા, જેમનું કામ ગોડાઉનમાં આવતા અને જતા દારૂ ઉતારવાનું હતું. તેમજ દારૂની સાચવણી પણ આ પરિવાર કરતા હતા. આમ આટલી મોટી સંખ્યામાં લોકોને નોકરીએ રાખતા માયકલનો દારૂનો કારોબાર કેટલો મોટો હશે તેનો અંદાજ આવી શકે છે. માયકલને ત્યાંથી દરોડોમાં શુ મળ્યુ ?
(1) માયકલના ઘરે દરોડો પાડ્યો ત્યાંથી ત્રણ મોંધી કાર મળી આવી જેની કિમંત બે કરોડ કરતા વધુ થાય છે. જેમાં લેન્ડ રોઓર, ઓડી Q3 અને ઓડી A8L મળી આવી હતી.
(2) ઓફિસમાં દરોડો પાડતા એક્સાઈઝના સ્ટોક પ્રમાણે હોવો જોઈએ તેની કરતા 7.10 કરોડોનો ઓછો સ્ટોક મળી આવ્યો હતો, જે તેણે ગુજરાત મોકલ્યો હોવાનું બહાર આવ્યુ હતું.
(3) જ્યારે ગોડાઉનમાંથી ગેરકાયદે સંગ્રહ કરેલો 2.54 કરોડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને નવ લાખ રોકડ મળી હતી.\