નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું છે કે, જો દેશની પ્રગતિ માટે કોઈ પણ દેશમાંથી આયાત કરવામાં આવે તો તેમાં કંઈપણ ખોટું નથી. નાણામંત્રીનું આ નિવેદન ચીનથી થતી આયાત પર નિયંત્રણ લાવવાની વધતી માંગ વચ્ચે દેશમાં ખૂબ મહત્વનું છે.
નોંધપાત્ર વાત એ છે કે, ભારત-ચીન લાઇન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર તાજેતરમાં થયેલી હિંસક અથડામણમાં આપણા દેશના 20 સૈનિકો શહીદ થયા હતા, ત્યારબાદ દેશમાં ચીન વિરોધી રાષ્ટ્રવાદ ટોચ પર છે. ઘણી સંસ્થાઓએ ચીની ચીજોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. ભારત-ચીન વેપારમાં ચીનનું પલડું ભારે છે. વર્ષ 2018-19માં ભારતે ચીન પાસેથી 70 અબજ ડોલરની આયાત કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ એકમના કાર્યકરોને સંબોધન કરતાં નાણામંત્રીએ 25 જૂન, ગુરુવારે કહ્યું કે, દેશમાં ઉપલબ્ધ ન હોય તેવા કાચા માલની આયાત કરવામાં કંઈપણ ખોટું નથી અને આપણા ઉદ્યોગોને તેમની જરૂર છે.