ભારતે ૪૬ અબજ ડોલરના ‘ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર’ (સીપીઇસી) પર અધિકાર સંબંધિત પોતાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને રવિવારથી શરૂ થઇ રહેલા હાઇપ્રોફાઇલ ‘બેલ્ટ એન્ડ રોડ’ શિખર સંમેલનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જોકે, બીજી બાજુ અમેરિકા, રશિયા અને જાપાન જેવા ૨૯ દેશો આ સંમેલનમાં ભાગ લેવાના હોઇ ભારત આ મામલે એકલું-અટુલું પડી ગયું છે. માહિતગાર સૂત્રોએ કહ્યું છે કે ભારત આ સંમેલનમાં ભાગ નહિ લે. અગાઉ ચીનના વિદેસ મંત્રી વાંય યીએ જાહેરાત કરી હતી કે ભારતનો એક પ્રતિનિધિ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની પ્રતિષ્ઠિત પહેલ ‘બેલ્ટ એન્ડ રોડ ફોરમ’માં ભાગ લેશે.
ભારત માટે આ એક મુશ્કેલ નિર્ણય છે કેમ કે છેલ્લાં કેટલાક દિવસોમાં ચીને કેટલાક પશ્ચિમી દેશોને સંમેલનમાં સામેલ કરવા રાજી કરી લીધું છે. તેમાં અમેરિકા પણ સામેલ છે. અમેરિકાએ લાભદાયક વ્યાપારિક સોદા હાથ ધરવા માટે પોતાના અગાઉના વલણથી યુ ટર્ન લઇને એક ટોચના અધિકારીને મોકલવા સંમતિ દર્શાવી છે. બેઠકમાં ભારતની ગેરહાજરીને વધુ મહત્વ નહિ આપતાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગાંગ શુઆંગે કહ્યું હતું કે ભારતીય પ્રતિનિધિ ભાગ નહિ લે. જાણવાની વાત એ છે કે પૂર્વી ચીન સાગરના વિવાદિત દ્વીપો મામલે છેલ્લાં કેટલાક વર્ષોમાં ચીનની આકરી ટિપ્પણી કરનાર જાપાને પણ એક ટોચનું રાજકીય પ્રતિનિધિમંડળ મોકલવા સંમતિ દર્શાવી છે.
ચીને આ મામલે ભારે રાજદ્વારી લોબિઇંગ કર્યું હોવાથી અનેક દેશો તેના સંમેલનમાં ભાગ લેવા રાજી થયા છે. પરંતુ ભારત સિવાય અન્ય કોઇ દેશને ‘વન બેલ્ટ, વન રોડ’ની પહેલની સાથે સંપ્રભુતા સામે કોઇ વાંધો નથી. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ આ બેઠકમાં ભાગ લે તે સ્વાભાવિક છે. શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘે પણ પહોંચવાના છે. તેઓ પોતાના દેશમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાની કર્યા બાદ સંમેલનમાં સામેલ થશે. ચીને શ્રીલંકામાં આઠ અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે.